એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં

stray cattle issue : શું ગુજરાતના નાગરિકોને ક્યારેય રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે? એક તરફ સરકારે બિલ લાવવાનુ પ્લાનિંગ રદ કર્યું, ને બીજી બાજુ અમદાવાદમાં રખડતી ગાયે બાઈક પર જતા પિતા-પુત્રને અડફેટે લીધા 

એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી. પરંતુ આ બિલ આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ બિલને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે. સરકારે ભલે બિલ લાવવાનું પ્લાનિંગ સ્થગિત કર્યું, પણ હવે રખડતા ઢોરોનું શું અને તેમના આંતકનું શું? શું ગુજરાતના નાગરિકોને ક્યારેય રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે? એક તરફ સરકારે બિલ લાવવાનુ પ્લાનિંગ રદ કર્યું, ને બીજી બાજુ અમદાવાદમાં રખડતી ગાયે બાઈક પર જતા પિતા-પુત્રને અડફેટે લીધા હતા.

અમદાવાદના જશોદાનગર વિસ્તારના ગીંતાજલિ સ્કૂલ પાસે આ બનાવ બન્યો હતો. રમેશચંદ્ર કોષ્ટી તેમની પાંચ વર્ષની દીકરી પ્રાચીને બાઈક પર બેસાડીને સોસાયટીની બહાર નીકળ્યા હતા. તે સમયે સોસાયટીની બહાર કેટલીક ગાયો રઝળતી ફરી રહી હતી. ત્યારે એક ગાય તેમની બાઈકની પાછળ દોડી હતી. ગાયની ટક્કરથી પિતા-પુત્રી બાઈક પરથી નીચે પટકાયા હતા. બંને ઈજાગ્રસ્ત થયા હતા, તેથી તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 

બાઈક પરથી પટકાયેલા પિતા પુત્રી જમીન પર નીચે ફંગોળાયા હતા. રમેશભાઈને પગમાં ફ્રેક્ચર થયુ હતું, તો પ્રાચીને માથામાં ઈજા પહોંચી હતી. જેથી તેને માથાના ભાગે ટાંકે આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. 

નાગરિકોને રખડતા ઢોરોના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે ખબર નથી. રસ્તા પર ગાય-આખલા એવી રીતે ફરે છે, જાણે ખેતર હોય. આ રખડતા ઢોરો નાગરિકોને અડફેટે લે છે. છતાં નાગરિકોને આ ત્રાસમાઁથી મુક્તિ મળી નથી રહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news