જય જય ગરવી ગુજરાત, સાબરકાંઠાનું આ ગામ છે દેશભક્તિની મિસાલ, જાણીને નતમસ્તક થશો

 ગુજરાતનું એક ગામ એવું પણ છે જ્યાં દેશની રક્ષા કાજે આખું ગામ ફોજ માં જોડાયું છે. 

જય જય ગરવી ગુજરાત, સાબરકાંઠાનું આ ગામ છે દેશભક્તિની મિસાલ, જાણીને નતમસ્તક થશો

દેવ ગોસ્વામી, સાબરકાંઠા: આજે દેશ 72મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. સૈનિકોના સાહસ અને બલિદાનથી ભારતીય સેનાનો ઈતિહાસ ગૌરવવંતો છે. આપણા ગુજરાતમાં પણ એક ગામ એવું છે જે દેશની રક્ષામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતનું એક ગામ એવું પણ છે જ્યાં દેશની રક્ષા કાજે આખું ગામ ફોજ માં જોડાયું છે. સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનાં કોડીયાવાડા ગામમાં ઘરદીઠ એક થી બે લોકોએ ફોજમાં જોડાઈ એક નવો ચીલો ચીતર્યો છે. આ એક એવું ગામ છે જ્યાં માટીમાંથી દેશની રક્ષા માટે જવાનો પેદા થાય છે.

ગામમાંથી એક બે નહી પણ 700 લોકો સેનામાં જોડાઈને બોર્ડર ઉપર માં ભોમની રક્ષા કરે છે.  કોડીયાવાડા ગામની વસ્તી 3500 જેટલી છે. ત્યાં 800 ઘર આવેલા છે, અહી ઘર દીઠ એક થી બે લોકો આર્મી,સી.આર.પી.એફ, બી.એસ.એફ સહીત પોલીસ ફોર્સમાં જોડાઈ દેશની રક્ષા કરે છે. આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકામાં આવેલું કોડીયાવાડા ગામ દેશ માટે એક મિસાલ બની ગયું છે. દેશની રક્ષા કરવા જોડાયેલા જવાનોમાંથી ગામનાજ જીગ્નેશ પટેલે શહાદત પણ વ્હોરી છે. છત્તીસગઢમાં સી.આર.પી.એફ માં ફરજ બજાવતા કોડીયાવાડા નાં સપૂત જીગ્નેશ વાઘજી ભાઈ પટેલ તેમની સર્વિસનાં પાચ વર્ષની નોકરીમાં ત્યાં ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં 9-8-2014 નાં રોજ શહીદ થયા હતા ત્યારે લગ્ન કર્યાના ત્રણ વર્ષ બાદ તેમના પત્ની માયાબેન ઉપર આભ તૂટી પડ્યું હતું. પતિના ઉગ્રવાદીઓ સાથેની અથડામણ માં શહીદ થયાના સમાચાર સાંભળતા જ તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું પણ બીજી બાજુ દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલા વીર સપૂતનાં પરિવાર જનો ગર્વની લાગણી વ્યક્ત કરતા હતા.જીગ્નેશના પિતા વાઘજી ભાઈ પટેલ પણ હાલ સી.આર.પી.એફ માં નોકરી કરે છે ગામમાં શહીદી વહોરનાર આ એક માત્ર યુવાન છે.

દેશની રક્ષા કરવાની એક મોટી મિસાલ પૂરી પાડનાર કોડીયાવાડા ગામના ઘણા જવાનો નોકરી પૂરી કરી ગામમાં જ રહે છે અને આવાજ દિનેશ ભાઈ વાઈડા 2 વર્ષ પહેલા રીટાયર થઇ ગામમાં ખેતી કરે છે. તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ ફરજ બજાવેલી છે. ત્યાંની સ્થિતિ તો ગમે ત્યારે તંગદીલી ભરેલી હોય છે ડગલે ને પગલે જોખમ હોય કયા ટાઈમે શું થાય તેનું કોઈ નક્કી જ નહીં છતા માં ભોમ ની રક્ષા કરવા પોતાની પરવા કાર્ય વગર જ તેઓ ફરજ બજાવતા અને હાલ સરકારને જરૂર પડે તો ગમે ત્યારે દેશની રક્ષા કરવા જવાની તેમણે તૈયારી બતાવી હતી .

અલગ અલગ ફોર્સમાં ફરજ બજાવતા ગામના ઘણા જવાનો રીટાયર પણ થયા છે અને નવા ફોજમાં ગયા પણ છે શાળાની વિદ્યાર્થીનીઓને પણ પિતા ફૌજી છે તેનોગર્વ છે. 700 જવાનો આપનાર ગામના યુવાનો પણ માં ભોમની રક્ષા કરવા તેમજ વડીલોના ચીલે ચીલે જવા આર્મી અને અલગ અલગ ફોર્સ માં જોડવા તત્પર છે અને હાલ ટ્રેનીંગ લઇ રહ્યા છે અને એકજ ખેવના છે કે બસ દેશની રક્ષા કરવા ફોજ માં જોડાવું છે. કોડીયાવાડા ગામ દેશભક્તિ માટે એક મિસાલ છે જેની માટીમાં માત્ર અને માત્ર દેશ ભક્તિની સુગંધ આવે છે ...શત શત નમન છે આવા વીર જવાનોને ...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news