Statue of unity સુધી આવનારી તમામ ટ્રેનો પર હવે નવો કોડ હશે, બદલાયુ સ્ટેશનનું નામ

Statue of unity સુધી આવનારી તમામ ટ્રેનો પર હવે નવો કોડ હશે, બદલાયુ સ્ટેશનનું નામ
  • નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરાયું 
  • તેનો સ્ટેશન કોડ -EKNR હશે અને સંખ્યાત્મક કોડ -08224620 હશે

જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લાના કેવડિયા (kevadia) ખાતે આવેલા રેલવે સ્ટેશન (railway) નું નામ બદલીને એકતા નગર (ekta nagar) કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે વર્ષ 31 ઓક્ટોબર 2018 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) જોવા આવતા પ્રવાસીઓ અત્યાર સુધી સડક માર્ગે કેવડિયા સુધી પહોંચતા હતા. ત્યારે 17 જાન્યુઆરી 2021 ના રોજ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન (green railway station) નું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનું નામ તે સમયે કેવડિયા જંક્શન આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા ખાતે વિકાસ ખૂબ થયો છે. જેમાં અનેક પ્રોજેક્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જેમાંના ઘણા પ્રોજેક્ટ જેમ કે એકતા નર્સરી, એકતા મોલ, યુનિટી ગ્લો ગાર્ડન, એકતા ફૂડ કોર્ટ, એકતા ક્રુઝ એમ નામ આપવામાં આવ્યા છે. હાલમાં જ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે.

ટ્રેનો પર પણ એકતા નગર નામ લખાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે કેવડિયા એકતા નગર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થશે. એકતા નગર રેલ્વે સ્ટેશન ખાતે આવનાર ટ્રેનોનું નામ પણ આગામી ટૂંક સમયમાં એકતા નગર કરી દેવામાં આવશે. ટ્રેનો પર પણ એકતા નગર નામ આપવામાં આવશે. 

આગામી સમયમાં પ્રધાનમંત્રી વિધિવત રીતે સમગ્ર વિસ્તારને એકતા નગર તરીકે જાહેર કરશે. રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્થિત કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ "એકતા નગર" હશે. 

તાજેતરમાં રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે. તેનો સ્ટેશન કોડ -EKNR હશે અને સંખ્યાત્મક કોડ -08224620 હશે. વડોદરા મંડળ દ્વારા કેવડિયા સ્ટેશનના સ્ટેશન પરિસરમાં અને સ્ટેશન બિલ્ડિંગની ઉપર આવેલા તમામ બોર્ડના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેવડિયાથી ચાલતી ટ્રેનોના બોર્ડ પણ બદલવામાં આવશે તેવું એકતા નગર સ્ટેશન સુપરીટેન્ડન્ટ પિયુષ ઉપાધ્યાયે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news