રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે નેશનલ લેવલની રક્ષા શક્તિ યુનિવર્સિટી
રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન (Tree)'નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે
Trending Photos
બ્રિજેશ દોશી, અમદાવાદ: રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન (Tree)'નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે. કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ સૂચિત કેન્દ્રિય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર ખાતે રહેશે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા રજૂ કરાયું હતું અને લોક સભામાં પસાર પણ કરાયું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
મંત્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, આજે લોકસભામાં ગૃહરાજય મંત્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ- 2020 પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન રેડ્ડીએ દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી લોક સભાના સભ્યોને પૂરી પાડી હતી. આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ' ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (રાષ્ટ્રીય મહત્વનું શૈક્ષણિક સંસ્થાન)નો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સીટી ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરશે એવો દ્રઢ વિશ્વાસ મંત્રીએ વ્યકત કર્યો છે. લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કર્યાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ - રિસર્ચ - એકસ્ટેન્શન - એજ્યુકેશન (Tree)' નું બહોળું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ભારતે આગેકૂચ કરી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ- 2020ના પસાર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા રાજય મંત્રી રેડ્ડીને અભિનંદન આપતા કહ્યું કે, આ બિલના કારણે રક્ષા શક્તિ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળતા રાજ્યમાં આ ક્ષેત્રે શિક્ષણની વ્યાપક તકો ઉપલબ્ધ બનશે અને યુવાઓને રોજગારી તકો વધુ માત્રામાં પ્રાપ્ત થશે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત થતા તેઓ આશ્વસ્ત છે કે યુનિવર્સિટી આખા દેશના આંતરિક સુરક્ષા માળખાને સશક્ત કરવાની દિશામાં નવા આયામ સર કરશે.
જાડેજાએ યુનિવર્સિટીના સ્ટાફને આર.એસ.યુ. દ્વારા ભૂતકાળમાં મેળવેલ ખ્યાતિ અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં કરવામાં આવનાર રાષ્ટ્રીય નિર્માણના અનેક કાર્યો માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સહયોગ આપશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને રાષ્ટ્રનિર્માણ માટેના સમર્પણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
છેલ્લા દસ વર્ષમાં યુનિવર્સિટીમાં સ્ટેટ ઓફ ધી આર્ટ ઈન્ફાસ્ટ્રકચરથી લઈને વિશ્વ સ્તરીય શૈક્ષણિક અભ્યાસક્રમો ભણાવવા સારૂ હેતુ અદ્યતન વૈજ્ઞાનિક ઉપકરણો પૂરા પાડવા જેવા અનેક કાર્યો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તેમની પછી રાજ્યને સેવા આપનાર દરેક મુખ્યમંત્રીએ સંપૂર્ણ સહકાર પૂરો પાડ્યો છે. આવા અથાગ પરિશ્રમ ના જ ફળરૂપે આજે રક્ષા શકિત યુનિવર્સિટી એ એક કેન્દ્રીય યુનિવર્સિટી અને 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ' બનવા જઈ રહ્યું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે