ગુજરાતને 28 કલાક ઘમરોળનાર વાવાઝોડા મામલે કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારે કરી આ રજૂઆત

વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.

ગુજરાતને 28 કલાક ઘમરોળનાર વાવાઝોડા મામલે કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારે કરી આ રજૂઆત

હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં તા. 17 મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજુઆતો કરી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નૂકશાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તૌકતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું. એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે, વાવાઝોડાના પાછળના ભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકશાન પહોચાડયું છે.

220 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથેના આ તિવ્ર વાવાઝોડાએ બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. સમગ્ર જનજીવનને પણ અસર પહોચાડી છે. તેમ આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકશાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે તેવી રજુઆત કરતાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો અને કચ્છના રણ જેવી ભૌગોલિક વિશેષતા ધરાવતો પ્રદેશ હોવાથી આવા કુદરતી પ્રકોપ જેવા વાવાઝોડાનો ભૂતકાળમાં પણ અનુભવ કરી ચૂકયું છે. આ તૌકતે વાવાઝોડું રાજ્યમાં પાછલા 50 વર્ષમાં આવેલા કોઇ પણ વાવાઝોડાથી વધુ તિવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી સર્જનારૂં વાવાઝોડું  બની ગયું છે એમ પણ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ અગાઉ 1975, 1982 અને 1998 માં જે વાવાઝોડા આવ્યા હતા તે આ વખતના વિનાશકારી તૌકતે વાવાઝોડાની તુલનાએ ઘણી ઓછી તિવ્રતા અને અસર વાળા હતા એમ મેમોરેન્ડમમાં રાજ્યની વાવાઝોડાની સ્તિથીનું વિવરણ કરતાં જણાવવામાં આવેલું છે. ગુજરાત પર ગત તા. 17 મે એ ત્રાટકેલા આ તૌકતે વાવાઝોડાએ રાજ્યના 23 જિલ્લાઓને અસર પહોચાડી છે. સમુદ્ર કિનારેથી રાજ્યમાં પ્રવેશેલું આ વિનાશક વાવાઝોડું 28 કલાક સુધી ગુજરાતને ઘમરોળીને ગુજરાતને ચીરીને રાજસ્થાન તરફ ફંટાયું હતું.

કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા ગુજરાતના આ મેમોરેન્ડમમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલ્કતોને નુકશાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.

આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા-જાયન્ટ ક્રેઇન ટાવર્સ, વીજળીના થાંભલાઓ, પાકા મકાનો વગેરે મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઇ ગયા છે. એટલું જ નહિ, ખેતીવાડી-બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થવા, મૂળમાંથી જ ઉખડી જવા જેવા વિનાશથી આ તૌકતે વાવાઝોડાની વિકરાળતાનો ખ્યાલ આવી જાય છે એમ પણ મેમોરેન્ડમમાં રાજ્ય સરકારે જણાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શનમાં સમગ્ર વહિવટીતંત્રએ આગોતરી અગમચેતી, સમયસરના રક્ષણાત્મક પગલાંઓ, લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વગેરે યુદ્ધના ધોરણે હાથ ધરતાં અને જનજાગૃતનો સહયોગ મળતાં આ વાવાઝોડાથી માનવ મૃત્યુનું પ્રમાણ મહદઅંશે નિવારી શકાયું છે તેમ પણ આ મેમોરેન્ડમમાં રાજ્ય સરકારે વાવાઝોડાની સામે પૂર્વતૈયારીઓ અને દાખવેલી સતર્કતાની વિગતો આપતાં જણાવ્યું છે.

રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થવા પામી છે. પશુપાલન સબંધિત પ્રવૃત્તિઓને ભારે ફટકો પડ્યો છે. એમ પણ આ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે.

કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજુ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજુ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાન મળીને કુલ 9836 કરોડ રૂપિયાની આ નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે.

આ સહાય ભારત સરકાર NDRF માંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. 500 કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news