રમકડા રમવાની ઉંમરે કીક બોક્સિંગ શીખી, હવે મેચમાં પોતાનાથી વધુ ઉમરની પ્લેયર્સને પણ હંફાવે છે

રમકડા રમવાની ઉંમરે કીક બોક્સિંગ શીખી, હવે મેચમાં પોતાનાથી વધુ ઉમરની પ્લેયર્સને પણ હંફાવે છે
  • કેશા મોદીએ માત્ર 2 વર્ષમાં કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ મેળવી હતી
  • કેશાએ 12 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. તો 2 જેટલા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

ઉમેશ પટેલ/વલસાડ :ઓલમ્પિક ગેમ્સ (olympic games) નું રંગેચંગે સમાપન થયુ છે. પરંતુ હવે પછીની ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવાના લક્ષાંક સાથે વલસાડની એક 18 વર્ષીય યુવતી કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની તૈયારીઓ કરી રહી છે. વલસાડ (valsad) જિલ્લામાં નાની ઉંમરથી એક દીકરી પ્રસિદ્ધી મેળવી રહી છે. જે ઉંમરમાં બાળકો ગેમ અને રમકડાં રમે છે તે ઉંમરમાં આ દીકરીએ કીક બોક્સીંગ અને માર્શલ આર્ટમાં મહારત હાંસિલ કરી છે.  

2 વર્ષમાં જ તાલીમ લઈ લીધી 
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વલસાડ શહેરના નજીક આવેલા લીલાપોર ગામ ખાતે રહેતી મધ્યમ વર્ગની એક યુવતીએ આવનાર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાનુ નક્કી કર્યુ છે. કેશા મોદીએ માત્ર 2 વર્ષમાં કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ મેળવી હતી. ટ્રેઇનિંગ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં પોતાના કરતા વધુ વજન ધરાવતી યુવતીઓ સાથે ચેલેન્જિંગ ફાઈટ કરીને ગોલ્ડ મેડલ મેળવવામાં મહારથ હાંસલ કરી છે. કેશાએ માત્ર બે વર્ષમાં તેનાથી મોટી ઉંમરની યુવતીઓ અને તેનાથી વધુ વજન ધરાવતી યુવતીઓને હરાવીને 12 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. તો 2 જેટલા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ટ્રેનિંગની સાથે ઘરની જવાબદારી પણ ઉપાડે છે 
સામાન્ય પરિવારમાંથી આવતી કેશા મોદી દક્ષિણ ગુજરાતની પહેલી યુવતી છે, જેને 2 વર્ષમાં 12 જેટલા ગોલ્ડ મેડલ જીતી વલસાડ જિલ્લા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ટ્રેનિંગની સાથે તે અન્ય બાળકોને પણ ટ્રેઈન કરે છે. આમ, તે પોતાના પરિવારને પગભર બનવા મદદ કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કેશાના માતા અને પિતા બંને નોકરી કરે છે, જેથી ઘરના બધા કામ કરવાની જવાબદારી કેશા પર હોય છે. તેમ છતાં કેશા ઘરના કામની સાથે સાથે પોતાની બોક્સીંગની ટ્રેનિંગ પણ ચાલુ રાખે છે. ઘરની જવાબદારી ઉપાડીને તેણે 18 વર્ષની ઉંમરે 12 જેટલા મેડલ જીત્યા છે. જેની લઈને તેનો પરિવાર પણ તેના પર ગર્વ અનુભવે છે.

કેશા પોતાનીથી વધુ વજનની ઉંમરની યુવતીને હરાવે છે 
કેશાનું વજન 42 કિલો છે. પણ તે 50 કિલો વજનની યુવતીઓ સાથે પણ ફાઈટ કરી ચૂકી છે. તમામ યુવતીઓને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કેશા રોજ 4 થી 5 કલાક તેના ટ્રેનર ચેતન પટેલ સાથે પ્રેક્ટિસ કરે છે. આગામી દિવસોમાં કેશા ગોવામાં યોજાનારી કીક બોક્સીંગ અને માર્શલ આર્ટની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં જવા માગે છે. જેના માટે તે અત્યારથી પ્રેક્ટિસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news