ગુજરાતનું એક એવું સ્થળ જે 100 ટકા મહિલાઓ માટે છે અનામત, પુરુષો અહીં ફરકતા પણ નથી...

સમય સાથે પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે અને આજ કારણે સમય અને શિક્ષણના કારણે આજે લોકોની વિચારસરણી પણ બદલાઇ રહી છે. ભૂતકાળની સરખામણીમા આજે મહિલાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતાં તેઓ ઘરની બહાર આવી છે. પોરબંદર એમજી રોડ પર આવેલ 74 વર્ષથી કાર્યરત શ્રી રૂપાળી બા બગીચો એ મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

ગુજરાતનું એક એવું સ્થળ જે 100 ટકા મહિલાઓ માટે છે અનામત, પુરુષો અહીં ફરકતા પણ નથી...

અજય શીલુ/પોરબંદર: આધુનિક સમયમાં મહિલાઓના સશક્તિકરણ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં યોજાતી ચૂંટણીઓમાં પણ મહિલાઓને 33 ટકા અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા સમય પૂર્વે પાસ થયું હતું. પરંતુ પોરબંદરમાં તો આજકાલથી નહીં પરંતુ વર્ષોથી એક એવું સ્થળ છે જે 100 ટકા મહિલાઓ માટે અનામત છે. જ્યાં માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે. ત્યારે ચાલો જોઈએ પોરબંદરમાં કયા છે આવી વ્યવસ્થા?

રાજાશાહી વખતથી જ મહીલાઓ માટે વિશેષ સુવિધાઓ
સમય સાથે પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે અને આજ કારણે સમય અને શિક્ષણના કારણે આજે લોકોની વિચારસરણી પણ બદલાઇ રહી છે. ભૂતકાળની સરખામણીમા આજે મહિલાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતાં તેઓ ઘરની બહાર આવી છે. મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષની સમોવડી બને તે માટેના પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. તેના જ એક ભાગરૂપે મહીલાઓ માટે વિશેષ અનામત વ્યવસ્થા ચૂંટણી હોય કે નોકરી તેમાં રાખવામાં આવી રહી છે. જોકે પોરબંદરમાં તો રાજાશાહી વખતથી જ મહીલાઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. 

શ્રી રૂપાળી બા બગીચો મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ
પોરબંદર એમજી રોડ પર આવેલ 74 વર્ષથી કાર્યરત શ્રી રૂપાળી બા બગીચો એ મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. ગુજરાતમા કદાચ આ એકમાત્ર એવો બગીચો છે, જ્યાં માત્ર મહિલાઓ અને નાના બાળકોને જ પ્રવેશ મળે છે. અહીં પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. રાજાશાહી વખતે 17-8-1949 આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને હાલમા પોરબંદર છાંયા નગરપાલિકા હસ્તકના આ બગીચાનું નગરપાલિકા સંચાલન કરે છે. વિશાળ જગ્યામા ઘટાદાર વૃક્ષો ધરાવતા આ બગીચામાં બાળકો માટે મનોરંજનના વિવિધ સાધનો સાથે જ મહીલાઓ માટે કસરતના સાધનો રાખવામાં આવ્યા છે. 

કોઈપણ સુરક્ષાની ચિંતા વગર મહિલાઓ અહીં આવે છે
પોરબંદર વર્ષોથી દેશ દુનિયાને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડતું આવ્યું છે પછી તે કસ્તુરબાના રુપમાં હોય કે અન્ય રીતે પોરબંદરમાં રાજાશાહી વખતથી બનેલ મોટાભાગના બગીચાઓમાં નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા. જેમ કે, આ રૂપાળી બા બગીચો, રાણી બાગ, કમલા નેહરુ બાગ. પોરબંદરમા રૂપાળી બા બગીચો એ 100 ટકા મહિલાઓ માટે અનામત હોવાથી મહિલાઓ કોઈપણ વગરની સુરક્ષાની ચિંતા વગર પોતાના બાળકો સાથે અહીં આવતા જોવા મળે છે. અહી આવતી મહિલાઓએ અનામત અંગેના નિર્ણયને બિરદાવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતુ કે બગીચાઓ તો શહેરમાં અનેક છે પરંતુ આ બગીચો માત્ર મહિલાઓ માટે જ હોવાથી તેઓ અહીં સુરક્ષીત અનુભવે તેથી વર્ષોથી તેઓ અહીં આવે છે તેમ તેઓએ જણાવ્યું હતુ. 

74 વર્ષથી આ બગીચો મહિલાઓ માટે અનામત
ભુતકાળના સમયમાં મહિલાઓની સુવિધાઓ પ્રત્યે ઓછું ધ્યાન અપાતુ હતું તે વાત સાચી હશે. પરંતુ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ નહોતી તે વાતની સાબિતી પોરબંદરનો આ બગીચો આપે છે, કારણ કે 74 વર્ષથી આ બગીચો માત્ર મહિલાઓ માટે 100 અનામત છે. તે વાતની જ સાક્ષી પૂરે છે કે મહિલાઓની સુરક્ષિત રીતે ફરી શકે તે માટે વર્ષો પૂર્વે પણ પગલા લેવાતા આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news