MS યુનિવર્સીટીમાં ઉત્તરવહી કાંડ સામે આવતા ખળભળાટ, આ રીતે આચરવામાં આવતું કૌભાંડ
વડોદરાની એમ એસ યુનિવર્સીટી હરહંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની એમ એસ યુનિવર્સીટી હરહંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ યુનિવર્સીટીની આંતરિક સુરક્ષામાં ગંભીર ચુક સામે આવી છે.
એમ એસ યુનિવર્સીટીના સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગના હંગામી પટ્ટાવાળા અંકિત ફનસે, ચિરાગ વડદરા અને અશ્વિન કુવર સિંહને યુનિવર્સીટીના સુરક્ષાકર્મીઓએ આર્ટસ ફેકલ્ટીની ઉત્તરવહીઓ બહાર મોકલતા રંગેહાથ ઝડપી પાડયા છે. પટ્ટાવાળા ખાલી ઉત્તરવહીઓ વિધાર્થીઓને મોકલતા જે ઉત્તરવહીને વિધાર્થી ભરી પાછા પટ્ટાવાળાને આપી દેતા હતા. ત્યારબાદ પટ્ટાવાળા ઉત્તરવહીઓ બંડલમાં મુકી તેમને તપાસવા મોકલી આપતા હતા.
યુનિવર્સીટી સત્તાધીશોએ ત્રણેય પટ્ટાવાળાની 5 કલાક પૂછપરછ કરતા ત્રણેય પટ્ટાવાળાએ ગુનો કબુલ્યો છે. પટ્ટાવાળાઓએ 21 વિધાર્થીઓના નામ આપ્યા છે. જેમની પણ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. ત્યારબાદ યુનિવર્સીટીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરે સમગ્ર મામલાને ગંભીર ગણાવી તપાસ કમીટી નીમી તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઉત્તરવહી કૌભાંડમાં સંડોવાયેલા વિધાર્થીઓના પરિણામ અટકાવી દેવાના આદેશ આપ્યા છે.
ત્રણેય પટ્ટાવાળાઓ માત્ર 900 રૂપિયામાં વિધાર્થીઓને ખાલી ઉત્તરવહીઓ આપતા હતા. મહત્વની વાત છે કે આર્ટસ ફેકલ્ટીમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવતા યુનિવર્સીટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીના કો-ઓર્ડિનેટર્સની બેઠક બોલાવી હતી. સાથે જ આર્ટસ ફેકલ્ટીમાં ચીફ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરી છે. યુનિવર્સીટીના રજિસ્ટ્રારે કહ્યું કે સમગ્ર મામલામાં હજી કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ યુનિવર્સીટી કરી રહી છે.
એમ એસ યુનિવર્સીટીના મસ્તમોટા ઉત્તરવહી કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સાથે જ એક રાજકીય પક્ષના વિધાર્થી પાંખના નેતાઓ પણ સામેલ હોવાની ચર્ચા છે. ત્યારે જો પોલીસ સમગ્ર મામલે તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તો ચોકકસથી મોટા ખુલાસા થઈ શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે