SC/STની પેટા યોજના માટે કાયદો બનાવવાની માંગ સાથે દલિતો અને આદિવાસીઓ કરશે આંદોલન
દલિત અને આદિવાસી આગેવાનોનો આક્ષેપ છે આ વિભાગના બજેટની રકમ પૈકી 112 લાખ સરદાર પટેલના સ્ટેચ્યુ માટે 700 કરોડ માર્ગ મકાનના રોડ રસ્તા માટે સિંચાઇ વિભાગની યોજનાઓ માટે અને સરકારી જાહેરાતો માટે વપરાય છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત અનુસૂચિત જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજનાના કાયદા માટે આદિવાસી અને દલિત રાજ્યમાં આંદોલન કરશે. ગુરૂવારના રોજ અમાદવાદના સર્કિટ હાઉસ ખાતે આગેવાનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કાંગ્રેસ અને અપક્ષના દલિત તથા આદિવાસી ધારાસભ્યો ઉપરાંત આગેવાનો હાજર રહ્યા હતા.
દલિત અને આદિવાસી આગેવાનોનો આક્ષેપ છે આ વિભાગના બજેટની રકમ પૈકી 112 લાખ સરદાર પટેલના સ્ટેચ્યુ માટે 700 કરોડ માર્ગ મકાનના રોડ રસ્તા માટે સિંચાઇ વિભાગની યોજનાઓ માટે અને સરકારી જાહેરાતો માટે વપરાય છે. આ વર્ષે પણ 90 ટકા રકમ અન્ય વિભાગમાં વપરાઇ જવાની આશંકા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યુ કે 12 હજાર કરોડના બજેટમાંથી 10 હજાર કરોડ અન્ય વિભાગમાં વપરાઇ જાય છે.
ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને આદીજાતિ માટેના બજેટની રકમ અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાતી હોઇ તેના માટે કાયદો બનાવવાની માંગ સાથે એક બેઠક અમદવાદ ખાતે યોજાઇ હતી. બેઠકમાં વિધાનસભામાં દાખલ થયેલા ગુજરાત અનુસૂચિચ જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજના ખાનગી વિધેયક રાજ્યના તમામ એસસી અને એસટી ધારાસભ્યો સમર્થન કરે તે માટે એક બેઠકનું આયોજન થયું હતું. આ અંગે દલિત આગેવાન વાલજી પટેલે કહ્યું કે, ગુજરાતમાં એસસી અને એસટીને લાભ મળે એવી કોઇ યોજના ન હોવાથી વર્ષોથી ગુજરાતમાં એસસી એસટી માટે ફાળવવામાં આવેલુ બજેટ અન્ય વિભાગોમાં વપરાઇ રહ્યુ છે. આ બજેટનો ઉપયોગ ગુજરાત સરકારના મુખપત્ર ગુજરાત મેગેઝીનના છાપકામ અને રોજગાર સમાચારના છાપકામમા થતો આવ્યો છે. ગુજરાત મેગેઝીન માટે એસટીના 1 કરોડ 20 લાખ અને આદિવાસી વિભાગના 2.5 કરોડ વપરાયાનો આક્ષેપ તેમણે કર્યો હતો. સાથેજ તેમણે ઉમેર્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેની જાહેરાત માટે આ બજેટ વપરાય છે.
દસાડાના કોંગ્રેસના ધારાસભ્યએ નૌશાદ સોલંકીએ કહ્યું કે આ ખાનગી વિધેયકનું ભારતીય જનતા પાર્ટીના દલિત અને આદિવાસી ધારાસભ્યો સમર્થન કરે તે માટે 7 ઓગસ્ટથી આંદોલન કરવામાં આવશે. સાત ઓગસ્ટના રોજ અસારવાના ઘારાસભ્ય પ્રદીપ પરમારને મળીને આવેદન પત્ર આપવામાં આવશે. તેમના સમર્થનનું સોગંધનામુ લેવામાં આવશે. જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સમર્થન નહીં કરે તો તેમનો ઘેરાવ કરવામાં આવશે.
વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, અનુસૂચિત જાતિ અને આદિજાતિના બજેટના રૂપિયા ગુજરાત સરકારના પાક્ષીક અને નેરન્દ્ર મોદીની આરતી ઉતારતી ફિલ્મ માટે વપરાય છે. બે દાયકામાં ઘણું મોટુ નુકસાન આ સમાજને થયું છે. હાલમાં 78 ધારાસભ્યો આ વિધેયકના સમર્થનમાં છે અને જો ભાજપાના 12 જેટલા ધારાસભ્યો સમર્થન કરે તો કાયદો બને અને માત્ર 5 વર્ષમાં એસટી એસસી વિભાગને 4 લાખ કરોડનો ફાયદો થશે. જિગ્નેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારતાં કહ્યુ કે અમે ઉગ્ર આંદોલન ન થાય તે માટે ભાજપાના ધારાસભ્યોનું સમર્થન માંગીશું. જો તેઓ સમાજના ધારાસભ્ય હશે તો સમર્થન કરશે પણ જો પક્ષના ધારાસભ્ય બની સમર્થન નહીં કરે તો રોડ પર આંદોલન કરવાની ફરજ પડશે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અનિલ જોષીયારાએ કહ્યું કે રાજ્યમાં એસસી એસટી સબ પ્લાન છે પણ વસતી પ્રમાણે જોગવાઇ કરવામાં આવતી નથી. જે જોગવાઇ કરવામાં આવે છે તે રકમ અન્ય વિભાગમાં વપરાઇ જતી હોવાથી અન્ય ધારાસભ્યો સમર્થન આપે તે જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે