'રૂપાણી' ને પણ ભારે પડ્યા છે 'ભીમાણી', ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?

Saurastra University : "રૂપાણી" જૂથને સાફ કરવા સેનેટ ચુંટણી ન યોજી, યુનિવર્સિટીમાં વિવાદીત ઇતિહાસ રચ્યો... ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?
 

'રૂપાણી' ને પણ ભારે પડ્યા છે 'ભીમાણી', ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?

Rajkot News ગૌરવ દવે/ રાજકોટ : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે, 1967નાં કરવામાં આવી. 1967 થી 2023 સુધીનાં 56 વર્ષનાં ઇતિહાસમાં કુલ 17 કાયમી કુલપતિની નિમણુંક કરવામાં આવી હતી. અત્યાર સુધીનાં તમામ કુલપતિઓમાંથી કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણી સૌથી વધુ વિવાદમાં રહ્યા છે. જેને કારણે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ પણ નારાજ જોવા મળી રહ્યું છે. છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ પદેથી "ભીમાણી"ને કેમ દુર કરવામાં આવતા નથી અને તેનાં પર કોના આશિર્વાદ છે તેને લઇને ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં સરકાર હસ્તકની 14 યુનિવર્સિટીઓ આવેલી છે. જેમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ સૌથી વધું વિવાદોમાં રહે છે. વિવાદમાં રહેવા પાછળનું કારણ છે આંતરીક રાજકારણ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર રાજકોટનાં જ નહિ, પરંતું સૌરાષ્ટ્રનાં અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દીવ સહિતનાં જિલ્લાનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણમાં રાજકારણ ન હોવું જોઇએ. પરંતુ રાજકોટનાં રાજકારણીઓ શિક્ષણના હબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જ રાજકીય અખાડો બનાવી દીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એજ્યુકેશન ફેકલ્ટીનાં ડીન ડો.નિદ્દત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ કુલપતિ ડો. કનુભાઇ માવાણી રહ્યા છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ખુબ જ વિકાસ કર્યો. પરંતુ છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરીક રાજકારણ ચરમસીમા પર છે. 56 વર્ષનાં ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે, જનરલ ઇલેક્શન ન યોજીને સેનેટની ચુંટણી ન યોજવામાં આવી. સેનેટની ન યોજવા પાછળ પણ ક્યાંક રાજકીય હિત છુપાયેલું હોવાનાં આરોપો લાગ્યા જ છે.

સેનેટની ચુંટણી ન યોજવા પાછળ ક્યાં કારણો જવાબદાર?

- સેનેટની ચુંટણી ન યોજી "રૂપાણી" જૂથનો સફાયો કર્યો. ડો. મેહુલ રૂપાણી, ડો. નેહલ શુક્લ, ભરતા રામાનુજ, ડો. ભાવીન કોઠારીનાં સિન્ડિકેટ પદ ગયા.
- કાયમી કુલપતિ અને ઉપકુલપતિએ કાર્યકાળમાં મતદાર યાદી તૈયાર ન કરાવી
- અખબારોમાં જાહેરાત આપી મતદાર યાદીનાં કાગળો તૈયાર ન કરાવ્યા
- કોર્ટ કાર્યવાહીને કારણે નવું સત્ર શરૂ થઇ જતા મતદાર યાદી તૈયાર ન થઇ
- વિધાનસભાની ચુંટણી સમયે જો સેનેટ ચુંટણી યોજાય તો આમ આદમી પાર્ટી સક્રિય હોવાથી યુનિવર્સિટીમાં એન્ટ્રી થવાની શક્યતા

ભાજપ, સંઘ અને સરકાર નારાજ તો આશીર્વાદ કોના?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં વિવાદોથી ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ નારાજ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો અભિપ્રાય લેવામાં આવ્યો તો તેમને બે નામ આપ્યા. જેમાં કમલ ડોડીયા અને રાજૂભાઇ દવે. સાથે ડો. ભીમાણીનાં સંદર્ભમાં એવું પણ કહેવામાં આવ્યું હોવાની ચર્ચા છે કે, જ્યારે મુકો ત્યારે અન્યને મુકો. જ્યારે રાજ્ય સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નવા કાર્યકારી કુલપતિની નિમણુંક કરવા માટે 5 ડિનનાં નામ મંગાવવામાં આવ્યા હતા. જેમાં ખુદ ડો. ગીરીશ ભીમાણી, ડો. નિલાંમ્બરીબેન દવે, ડો. મયુરસિંહ જાડેજા, ડો. આર. કે. દવે અને ડો. દેવાંગ પારેખનાં નામની યાદી મોકલવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષીકેશ પટેલે પસંદ કરેલા નામ સામે પાટીદાર નેતાઓ અને ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો અને રૂપાણી જૂથનાં છે તેવો સવાલ કરી કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીને જ ચાલું રાખવામાં આવે તેવો બચાવ કર્યો હોવાની ભારે ચર્ચા છે. શું ભાજપનાં જ કેટલાક પાટીદાર નેતાઓ, ધારાસભ્યો કે પછી સાંસદનાં આશિર્વાદથી ડો. ભીમાણીને બચાવવા સરકાર પર દબાણ કરવામાં આવ્યું?

PVC અંગે કોણ ન થયું સહમત?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2011 થી 2014 નાં સમયગાળા દરમિયાન કાયમી કુલપતિ તરીકે ડો. મહેન્દ્ર પાડલીયાની નિમણુંક કરવામાં આવી હતી. જોકે કુલપતિ બનાવતા પહેલા ડો. પાડલીયાને ઉપકુલપતિ બનાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લે કાયમી કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણી વચ્ચે દેરાણી-જેઠાણી જેવા વણસેલા સબંધોને કારણે ઉપકુલપતિની પોસ્ટ ન રાખવાનો ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્જાયેલી સ્થિતીને ધ્યાને રાખીને ડો. કમલ ડોડીયાને ઉપકુલપતિ પદ આપવાની વિચારણા ચાલી રહી હતી. પરંતુ કેટલાક રાજકીય જશ ખાટવા જતા નેતાઓએ સહમતી ન દાખવી અને તેને કારણે ઉપકુલપતિ પદ પર સરકારે આખરી મહોર મારી નહિ. સરકાર ઉપકુલપતિ તરીકે કમલ ડોડીયાની નિમણુંક કરી તેને જ કાયમી કુલપતિ તરીકે નિમણુંક આપે તો, પક્ષની આબરૂ બચી શકે, આર.એસ.એસની નારાજગી દુર થઇ શકે અને શિક્ષણનું સ્તર પણ સુધરી શકે એટલું જ નહિં રાજકીય અખાડામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ પણ સુધરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news