વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બદલ્યો BAPS કોર્સ ભણાવવાનો નિર્ણય, હવે ભણાવશે સનાતન ધર્મ
Saurastra University : રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS ના કોર્સ શરૂ કરવાને લઇને વિવાદ થયો હતો. સૌરાષ્ટ્રના સાધુ-સંતોએ તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બાપ્સનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ વિરોધ ઉઠતા યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય બદલ્યો છે. યુનિવર્સિટીમાં કોઇ વ્યક્તિ કે સંપ્રદાયના નહિ, પરંતુ સનાતન ઘર્મના અભ્યાસક્રમ ચલાવવામાં આવશે તેવી ઈન્ચાર્જ કુલપતિ પ્રો.ગિરીશ ભીમાણી દ્વારા જાહેરાત કરવામાં આવી.
બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ આગામી વર્ષથી BAPS નો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ માટે યુનિવર્સિટી રજિસ્ટારે પરિપત્ર બહાર પાડીને કહ્યુ હતું કે, આ કોર્સમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે. તેમજ વિદ્યાર્થીકાળથી યુવાનોમાં સ્કીલના નામે ધર્મ શીખવવામાં આવશે. સિલેબસના એક પુસ્તકની કિંમત રૂપિયા 220 હશે.
તો બીજી તરફ, રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS ના કોર્સ શરૂ કરવાને લઇને વિવાદ થયો હતો. સૌરાષ્ટ્રના સાધુ-સંતોએ તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શીખવવું જ હોય તો સનાતન ધર્મમાંથી શીખવો. આ મામલે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું. ત્યારે ગિરનારી સાઘુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુના વિરોધ બાદ કુલપતિ ગિરીશ ભીમાણીએ નિર્ણય બદલ્યો છે. વિરોધ બાદ યુનિવર્સિટીએ જાહેરાત કરી કે, યુનિવર્સિટીમાં કોઇ વ્યક્તિ કે સંપ્રદાયના નહિ, પરંતુ સનાતન ઘર્મના અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. આ માટે કુલપતિ ગિરીશ ભીમાણીએ ઇન્દ્રભારતી બાપુ સાથે બે કલાક ચર્ચા કરી હતી. ટૂંક સમયમાં યુનિવર્સિટીના પ્રોફેસરોની એક રીચર્સ ટીમ આ અંગેનો અભ્યાસક્રમ તૈયાર કરશે.
ઈન્દ્રભારતીબાપુએ કર્યો હતો વિરોધ
ઈન્દ્રભારતીબાપુએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બીએપીએસ સંસ્થાનો કોર્સ અને શિક્ષણ સાથે જોડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પેરવી કરી છે અને ગુજરાતની કેટલીક કોલેજોમાં આ આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું ભણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ કોર્સનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને જો આ કોર્સ કોલેજોમાંથી હટાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડશે. શિક્ષણમાં જો ધર્મ ભણાવવો જ હોય તો સનાતન ધર્મ ભણાવવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે