રાજવીઓથી ન થયું તે સંતો-મહંતો કરી બતાવશે, શું રૂપાલા વિવાદનો અંત આવી રીતે આવશે?

Election 2024: રાજકોટથી રૂપાલા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમને દિલ્લી હાઈકમાન્ડમાંથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે કે તેમની ટિકિટ રદ નહીં જ કરવામાં આવે...બીજી તરફ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે અડગ છે. ત્યારે હવે સંતો-મહંતો પણ મેદાનમાં આવ્યા છે. રાજવીઓનું પણ ન માનતા ક્ષત્રિયો હવે સંતોનો આદેશ માનશે ખરાં?

રાજવીઓથી ન થયું તે સંતો-મહંતો કરી બતાવશે, શું રૂપાલા વિવાદનો અંત આવી રીતે આવશે?

Loksabha Election 2024: રાજકોટથી રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. તો ભાજપ પણ રૂપાલાને નહીં બદલવા માટે મક્કમ છે. જેના કારણે વિવાદ સતત વધતો જ જઈ રહ્યો છે. રાજકોટમાં 14 એપ્રિલે રાજપૂત સમાજનું મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. વિવાદનો કોઈ કાળે અંત નથી આવી રહ્યો ત્યારે હવે સંતો-મહંતો પણ મેદાનમાં આવ્યા છે. રાજવીઓનું પણ ન માનતા ક્ષત્રિયો હવે સંતોનો આદેશ માનશે ખરાં?

રાજકોટથી રૂપાલા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમને દિલ્લી હાઈકમાન્ડમાંથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે કે તેમની ટિકિટ રદ નહીં જ કરવામાં આવે...બીજી તરફ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે અડગ છે. તેથી જ સમગ્ર રાજ્યમાં અલગ અલગ સંમેલનો યોજાઈ રહ્યા છે. આ તમામ સંમેલનો પછી રાજકોટમાં 14 એપ્રિલે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત જ નહીં આસપાસના રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો ઉમટે તેવા દાવાઓ કરાઈ રહ્યા છે. 

લાંબા સમયથી ચાલતો આ વિવાદ હવે થાળે પડે તે માટેના પ્રયાસો એક બાદ થઈ રહ્યા છે. પહેલા સરકાર અને સંગઠને મહેનત કરી. ભાજપના ક્ષત્રિય નેતાઓને કામે લગાડ્યા. પરંતુ તેઓ કંઈ ન કરી શક્તા...રાજવીઓને મેદાનમાં લાવવામાં આવ્યા...પરંતુ રાજવીઓનું પણ ક્ષત્રિયો માનવા તૈયાર હોય તેમ લાગતું નથી. ત્યારે હવે સંતો-મહંતો મેદાનમાં આવ્યા છે. સંતો માની રહ્યા છે કે આ વિવાદથી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને નુકસાન થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાજકોટથી ગુજરાતમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરવાના છે. મોદી ગુજરાત આવે તે પહેલા સમગ્ર વિવાદનો સુખદ અંત લાવવા માટે પ્રયાસો તેજ થઈ ગયા છે. સાધુ-સંતો પણ હવે ક્ષત્રિય સમાજને વિનંતીઓ કરવા લાગ્યા છે. સંત અવિચલદાસની માફક જ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે પણ બન્ને પક્ષે સમજી વિચારીને નિરાકરણ લાવવા માટે અપીલ કરી છે. જે દુઃખ હોય તે ચર્ચા કરીને દૂર કરવા સલાહ આપી છે. દિલિપદાસજીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે ચર્ચાથી આ વિવાદનો ઉકેલ આવી જશે.

સંતો-મહંતો નહીં પણ હવે તો હિન્દુઓની સૌથી મોટી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ પણ વિવાદના જલદી અંત માટે મેદાનમાં ઉતરી છે. VHPએ ક્ષત્રિયોની નારાજગી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. VHP માની રહ્યું છે આ પ્રકારની નારાજગીથી હિન્દુત્વ પર જોખમ છે. VHPના પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્પષ્ટ કહ્યું છે કે, VHP રૂપાલાને માફ કરવાના સમર્થનમાં છે. બન્ને પક્ષોનું સન્માન જળવાય તે રીતે ઉકેલ જલદી લાવી દેવો જોઈએ.

સંતો, મહંતો, VHP, રાજવીઓ, સરકાર અને સંગઠન પણ પ્રયાસો કરી રહ્યું છે, છતાં પણ ક્ષત્રિયોએ પોતાનું અક્કડ વલણ છોડ્યું નથી. રાજપૂતોએ પોતાની અસ્મિતા સાથે જોડી દીધેલા આ મુદ્દામાં તેઓ એક જ વાત પર અડગ છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ જ સમાધાન નહીં થાય. સાધુ સંતોની અપીલને પણ ક્ષત્રિય આગેવાનોએ ફગાવી દીધી. ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કહ્યું છે કે, મધ્યસ્થી નહીં પરંતુ ટિકિટ રદ કરવાનો આદેશ સંતોએ કરવો જોઈએ. સંતો જે કહે છે તે રૂપાલાને પણ કહેવું જોઈએ.

સંતોએ અપીલ કરીને વિવાદનો હલ લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ ક્ષત્રિયો કોઈ કાળે માને તેમ લાગતા નથી. તેમના સંમેલનો અને આંદોલન યથાવત્ છે. 14 તારીખનું મહાસંમેલન સૌથી મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. કારણ કે આ મહાસંમેલનના બે દિવસ પછી એટલે કે 16 એપ્રિલે રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. ત્યારે હવે જોવું રહેશે કે જે કામ ભાજપના ક્ષત્રિય આગેવાનો, ક્ષત્રિય રાજવીઓથી નથી થયું તે કામ સંતો-મહંતોથી થાય છે કે નહીં?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news