દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓ કોની માલિકીની? જાહેરનામુ બહાર પડાયુ

ઈડરના દાવડમાં બે વર્ષ અગાઉ મળી આવેલ પ્રાચીન ખંડિત મૂર્તિઓને માટે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને દાવો કરવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. ત્યારે ગામના જૈન સમાજે પણ આ મૂર્તિઓ માટે દાવો કર્યો છે. 
દાવડમાં મળેલી પ્રાચીન મૂર્તિઓ કોની માલિકીની? જાહેરનામુ બહાર પડાયુ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઈડરના દાવડમાં બે વર્ષ અગાઉ મળી આવેલ પ્રાચીન ખંડિત મૂર્તિઓને માટે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને દાવો કરવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. ત્યારે ગામના જૈન સમાજે પણ આ મૂર્તિઓ માટે દાવો કર્યો છે. 

સાબરકાંઠાના ઇડર તાલુકાનું દાવડ ગામએ 5 હજાર વસ્તી ધરાવતું પૌરાણિક ગામ છે. લોકવાયકા મુજબ અતિ પ્રાચીન સમયમાં જુનો વિશાળકાય એક દયાવડ હતો, જેને કારણે ગામનું દાવડ નામ પડ્યું. આ ગામનો ઉલ્લેખ 10 મી સદીમાં પણ જોવા મળે છે. 11 મી સદીમાં ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવાયેલ અંકોલ માતાની વાવ આજે પણ હયાત છે. પરંતુ આજે પણ એની હાલત ખંડેર જેવી છે. પુરાત્તવખાતાએ વાવ પાસે માહિતીનું બોર્ડ લગાવ્યું છે. જ્યાં સોલકીયુગની હોવાનું જણાવાયું છે. વાવ પાસે આરામ કક્ષ પણ છે. તો પાસે એક વડ પણ છે. આ તમામ જોવાલાયક સ્થળો છે. પરંતુ આખુ ગામ ગંદકીથી ખદબદ છે. ગામમાં ગંદકી અને દુર્ગંધ આવે છે. પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ શરુ કરાયુ છે, પરંતુ કામ અધૂરું જ મૂકાયુ છે. પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. હવે તેની જાળવણી પણ થાય તેવી ગ્રામજનોની માંગ છે. આમ ગામમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રતિમાઓ પણ દાવો કરનારને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી તેની યોગ્ય જાળવણી થઇ શકે. 

ઇડરના પૌરાણિક દાવડ ગામમાં વર્ષ 2020 ના એપ્રિલ માસમાં રાવળવાસમાં મકાન બનાવવા માટે ખોદકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન એક પછી એક હજ્જારો વર્ષ પ્રાચીન જૈન પ્રતિમાઓ મળી આવી હતી. પરંતુ તે ખંડિત હતી. ખોદકામ પૂર્ણ થયા દરમિયાન કુલ 48 જેટલી ખંડિત પૌરાણિક મુર્તિઓ મળી આવી હતી. જે અંગે તે સમયે તંત્ર અને પુરાત્તવ ખાતું આવી પહોચ્યું હતું અને તમામ પ્રાચીન ખંડિત જૈન મૂર્તિઓ ગામના બહાર આવેલ મજુર મહાજન હોલમાં મુકીને સીલ કરી દેવાયું હતું. 

તો બીજી તરફ પ્લોટ ખોદકામ સ્થળે પાયા પણ ભરી દેવાયા છે, પરંતુ હજુ સુધી પ્રાચીન ખંડિત પ્રતિમાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી. મૂર્તિઓ મજુર હોલમાં ધૂળ ખાઈ રહી છે. જેને લઇને હવે તે મૂર્તિઓનો માલિકી હક આપવાને લઇને તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. આ માટે મૂર્તિની માલિકી માટે દાવો કરવા માટે નાયબ કલેક્ટર દ્વારા અરજીઓ મંગાવી છે. જેના માટે ગામના જૈન સમાજના લોકોએ પણ દાવો રજુ કર્યો છે. 

દાવડ ગામ અને આસપાસનો વિસ્તારમાં પૌરાણિક સ્થળો આવેલા છે. જેને લઈને ગ્રામજનોને ગૌરવ છે. પરતું પુરાત્તત્વ વિભાગ દ્વારા પ્રાચીન સ્થળો પ્રત્યેની બેદરકારીએ ખંડેર જેવી હાલત કરી દીધી છે. ત્યારે હવે મળી આવેલ પ્રતિમાઓની યોગ્ય જાળવણી થાય માટે તંત્રએ જાહેરનામુ બહાર પાડી દાવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news