લલ્લુજી એન્ડ સન્સ પર રૂપાણી સરકાર મહેરબાન, વિવાદો છતા મોટો કોન્ટ્રાક્ટ કંપનીને પધરાવી દીધો

લલ્લુજી એન્ડ સન્સ પર રૂપાણી સરકાર મહેરબાન, વિવાદો છતા મોટો કોન્ટ્રાક્ટ કંપનીને પધરાવી દીધો
  • 3 કંપનીઓએ નીચા ભાવે ટેન્ડર ભર્યા હોવા છતાં સરકારની રહેમ નજર હેઠળ લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપવામાં આવ્યું
  • કંપનીનો કચ્છમાં રણોત્સવથી લઈને કેવડિયામાં ટેન્ટ સિટીનો પણ વિવાદ ચર્ચામાં રહ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :નડાબેટના વિકાસ માટેના પ્રવાસન વિભાગના એક ટેન્ડરે વધુ એક વાર વિવાદ ઊભો કર્યો છે. 35 કરોડ રૂપિયાના ટેન્ડરને 75 કરોડના ભાવે મંજૂર કરીને લલ્લુજી એન્ડ સન્સને આપવામાં આવતા જ વિવાદ ઉઠ્યો છે. લલ્લુજી એન્ડ સન્સ (Lallooji and Sons) કરતા 3 કંપનીઓએ નીચા ભાવે ટેન્ડર ભર્યા હોવા છતાં સરકારની રહેમ નજર હેઠળ લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપવામાં આવ્યું છે. લલ્લુજી એન્ડ સન્સ સાથે વિવાદો સતત જોડાયલા રહ્યા છે. કચ્છમાં રણોત્સવથી લઈને કેવડિયામાં ટેન્ટ સિટીનો પણ વિવાદ ચર્ચામાં રહ્યો છે. 

કેવડિયામાં જમીન પચાવવા મામલે કંપનીને દંડ કરાયો હતો 
કેવડિયામાં જમીન પચાવી પાડવા મામલે લલ્લુજી એન્ડ સન્સ પર વન વિભાગે નોટિસ ફટકારવા સાથે 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો તેમ છતાં ફરી એકવાર સરકારમાં ગોઠવણનો લાભ લઈને વધુ એક ટેન્ડર તેને આપવામાં આવ્યું છે અને એ પણ બમણા ભાવે. નડાબેટના પ્રવાસન કામોમાં જે તે કંપનીને કોઈ વળતર મળવાનું નથી અને સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારને જ ભોગવવાનો છે તેવા સંજોગોમાં શા માટે 35 કરોડનું ટેન્ડર 75 કરોડમાં પાસ કરાયું તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

લલ્લુજી એન્ડ સન્સનો વિવાદો સાથે જૂનો નાતો  
મુખ્યમંત્રી રૂપાણીએ વર્ષ 2018-19 માં નડાબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 35 કરોડથી વધુના ખર્ચની જાહેરાત કરી હતી. જે બાદ કોરોનાના કારણે ટેન્ડર પ્રક્રિયા વિલંબમાં પડી હતી. ગત ફેબ્રુઆરીમાં મહિનામાં પ્રવાસન વિભાગે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં 35 કરોડના અંદાજિત ખર્ચે નડાબેટમાં પ્રવાસન સુવિધાઓ વિકાસાવવા માટે અરજીઓ મંગાવાઈ હતી. જેમાં 4 કંપનીઓ ક્વોલિફાઈ થઈ હતી અને તેમણે લલ્લુજી એન્ડ સન્સ કરતા નીચા ભાવે ટેન્ડર ભર્યા હતા. ગત સપ્તાહે પ્રવાસન વિભાગે તમામ 4 કંપનીઓનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. જેમાં માર્કીંગ સિસ્ટમનો ઉપયોગ કરીને લલ્લુજી એન્ડ સન્સ પર પસંદગી ઉતારી હતી. સામાન્ય રીતે કોઈપણ ટેન્ડર પ્રક્રિયામાં વિવાદિત કંપનીઓને ટેન્ડર માટે ક્વોલિફાઈ કરવામાં નથી આવતી. પણ લલ્લુજી એન્ડ સન્સ સાથે વિવાદોનો નાતો હોવા છતાં વધુ એકવાર સરકારે પસંદગી ઉતારી છે.

યુપી સરકારે કંપનીને બ્લેક લિસ્ટ કરી હતી 
લલ્લુજી એન્ડ સન્સને ઉત્તરપ્રદેશના કુંભ દરમિયાન ગેરરિતી આચરવાના કારણે યુપી સરકારે બ્લેક લિસ્ટેડ કરી હતી. ગુજરાતમાં પણ રણોત્સવ તેમજ કેવડિયા ટેન્ટ સીટી સમયે પણ તેની સામે આરોપો થયા હતા તેમ છતાં ફરી એકવાર સરકારે તેના પર પસંદગી કરતા વિવાદ ઊભો થયો છે. નિયમ પ્રમાણે જો ટેન્ડર માટે પસંદગી પ્રક્રિયા અનુસરવામાં આવી હોત તો લલ્લુજી એન્ડ સન્સ સિવાય બીજા 3 વિકલ્પો હતો અને તેમનું ટેન્ડર પણ નીચા ભાવે હતું તેમ છતાં લલ્લુજી એન્ડ સન્સની પસંદગી કરવામાં આવી છે.

લલ્લુજી એન્ડ સન્સ પર પસંદગી થતા સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથેની ગોઠવણના સીધા આરોપ લાગી રહ્યા છે. એવા ક્યા કારણો છે કે પ્રવાસન વિભાગના મોટા ટેન્ડરોમાં લલ્લુજી એન્ડ સન્સ પર જ પસંદગી ઉતારવામાં આવે છે અને તે માટે નિયમોમાં પણ બાંધછોડ કરવામાં આવે છે. આ વિવાદો બાદ સરકાર અને પ્રવાસને વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી ત્યારે જોવાનું એ રહેશે છે આ અંગે કોઈ પગલાં ભરાશે કે પછી સરકારની રહેમ નજર હેઠળ લલ્લુજી એન્ડ સન્સને લાભ મળતો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news