સફેદ દૂધમાં સોઢીનો કાળો વહીવટ, દૂધ સંઘોનુ હિત જોખમાતાં કરાયાં 'GET OUT'
RS Sodhi Removed As AMUL MD: ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સહિત ભારતની પ્રતિષ્ઠિત અમુલના એમડી પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના સહકાર ક્ષેત્રના રાજકારણને તારતાર કરી કુરિયનની વિચારધારાને ઘોળીને પી જનારા અને જીસીએમએમએફમાં છેલ્લા 12 વર્ષથી એક ચક્રી શાસન ચલાવતા આર એસ સોઢીની આખરે હકાલપટ્ટી કરી દેવાઈ છે. 61 હજાર કરોડના ફુલગુલાબી ચિત્રને દેખાડી અમૂલમાં દબદબો ઉભો કરનાર સોઢીને એક પળનો સમય ગુમાવ્યા વિના તાત્કાલિક રવાના કરી દેવાયા છે. આ હકાલ પટ્ટીમાં મસમોટા કૌભાંડોની બૂ પણ આવી રહી છે. સોઢીએ ફેડરેશનમાં મામકાઓને ગોઠવવાની સાથે ડેરીના કોન્ટ્રાક્ટોમાં પણ મોટી ગરબડો કરી હોવાની ચર્ચાઓ છે. સોઢીએ સહકારને બદલે કોર્પોરેટના નામે દૂધ સંઘોના અસ્તિત્વને ભૂસવાની કોશિષ કરતાં આખરે એમનો ભાંડો ફૂટી ગયો છે. દૂધ સંઘોના ચેરમેનો સાથે મનમાની અને એમની દાદાગીરી એટલી હદે વધી હતી કે સંઘો પશુપાલકોના હિતોને ધ્યાને રાખીને ચૂપચાપ સહન કરતાં હતા. આખરે તમામ મામલો છેક ઉપર સુધી પહોંચતાં સોઢીના દિવસો પૂરા થઈ ગયા છે. સોઢીના કારણે હવે પશુપાલકો અને દૂધ સંઘોનુ હિત જોખમાતાં સોઢીને અમૂલથી બહારનો દરવાજો દેખાડી દેવાયો છે.
સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી અમૂલના એમ.ડી. પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે એમ.ડી. પદ પરથી માંગી લેવામાં આવ્યું છે. સોઢીનું રાજીનામામાં વાત એવી પણ સામે આવી રહી છે કે, લાંબા સમયથી આર.એસ.સોઢી અમૂલના એમ.ડી.પદ પર રહીને પોતાની મનમાની કરી રહ્યાં હતાં. અમૂલમાં કોન્ટ્રાક્ટોમાં સોઢી પોતાની મનમાની ચલાવતી હતાં. જેને કારણે સહકારી ક્ષેત્રની સંસ્થાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું.
અમૂલમાં પોતાની મનમાની ચલાવીને ડેરીના મૂળ હાર્દ વિરૂદ્ધ આર. એસ. સોઢી કામ કરતા હતા: સૂત્ર#Gujarat #Amul #News pic.twitter.com/1gD62XZs7O
— Zee 24 Kalak (@Zee24Kalak) January 9, 2023
ZEE24કલાક પૂછે છે સવાલઃ
- કેમ કરવામાં આવી અમૂલના MD સોઢીની હકાલપટ્ટી?
- અચાનક કેમ માંગી લેવામાં આવ્યું સોઢીનું રાજીનામું?
- શું સોઢી કરી રહ્યાં હતાં પોતાના હોદ્દાનો દૂરઉપયોગ?
- શું સામે આવી શકે છે અમૂલમાંથી મોટું કૌભાંડ?
- સહકાર ક્ષેત્રની આટલી મોટી સંસ્થામાં આખરે શું રંધાતું હતુ?
- શું સોઢી હોદ્દાનો દૂરઉપયોગ કરીને ખાઈ રહ્યાં હતા અમૂલની 'મલાઈ'?
- શું આટલાં વર્ષો સુધી સોઢી આચરી રહ્યાં હતાં ગેરરીતિ?
- કરોડાના ટર્નરઓવરવાળી સંસ્થાના સંચાલનમાં થતો હતો 'વહીવટ'?
- શું સરકારના સામે આવી ગયો હતો સોઢીનો 'વહીવટ'?
- કોના આદેશથી સોઢીને કરવામાં આવ્યાં ઘરભેગા?
- શું રાજીનામાં બાદ સોઢીની કરવામાં આવશે તપાસ?
- સોઢીની સોદાબાજીનો કઈ રીતે થયો ભાંડાફોડ?
- સોઢીની હકાલપટ્ટીથી ઉઠી રહ્યાં છે અનેક સવાલો
અમૂલમાંથી સોઢીની હકાલપટ્ટી બાદ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છેકે, સહકારની ભાવનાને બદલે સોઢીએ મલાઈનો રસ્તો તારવ્યો હતો. દૂધ સંઘોના ચેરમેનો સોઢીથી નારાજ હતા. એવી વાત પણ સામે આવી છેકે, સોઢી પોતાના પદને કારણે 16 દૂધ સંઘો વચ્ચે પણ ભેદભાવ કરતા હતાં. લાંબા સમયથી એક હથ્થું શાસનને પગલે કુરિયને બનાવેલી શાખને સોઢીએ તારતાર કરી નાંખી હતી.
સોઢી ચલાવતા હતા પરિવારવાદઃ
સૂત્રોના મતે અમૂલના ઉચ્ચ પદ પર રહીને સોઢી ખુબ 'મલાઈ' ખાતા હતાં. અને પરિવારવાદ ચલાવીને પૈસા કઈ રીતે ઘરભેગા કરી શકાય તેની વેતરણમાં રહેતાં હતાં. તેઓ પરિવાર વાદને નામે સગાઓના નામે કોન્ટ્રાક્ટોની કરી લ્હાણી કરતા હતા.
સોઢીએ વાળ્યું સહકારી ક્ષેત્રનું ધનોતપનોતઃ કોર્પોરેટના નામે સહકારક્ષેત્ર અને પશુપાલકોના હિતને બદલે પોતાનું હિત જાળવ્યું. જીસીએમએમએફ સંઘનું ફૂલગુલાબી ચિત્ર બતાવી 12 વર્ષ સુધી સોઢીએ અમૂલ પર બેફામ થઈને રાજ કર્યું. સોઢીએ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં મામકાંઓને ગોઠવીને પોતાનો 'વહીવટ' સાચવી રાખવાનું કામ કહ્યું હતું. વિવાદો વધતાં આખરે ચેરમેને તાત્કાલિક સોઢીનું રાજીનામું લખાવી લીધું છે. જેને પગલે હાલ અમૂલના એમ.ડી.પદેથી સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ, સોઢીની હકાલપટ્ટી બાદ અનેક રહસ્યો પરથી પણ પડદો ઉઠી શકે છે.
શું વિપુલ ચૌધરીની ધરવાપસી નડી?
જીસીએમએમએફના એમડી આર એસ સોઢી અને વિપુલ ચૌધરી વચ્ચે છપ્પનો આંકડો હતો. વિપુલ ચૌધરીને અમૂલના ચેરમેન પદેથી હટાવવામાં સોઢીનો મોટો રોલ હોવાનું કહેવાય છે. મહેસાણાની દૂધ સાગર ડેરીમાં પણ વિપુલ ફરી ના જીતે એ માટે સોઢીએ એડીચૌટીનું જોર લગાવ્યું હતું. સોઢી ક્યારેય ઇચ્છતા ન હતા કે વિપુલ ચૌધરી દૂધના રાજકારણમાં પરત ફરે... હવે વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે ગઠબંધનને પગલે સૌઢીની કરમ કુંડળી છેક ભાજપ હાઈકમાન્ડ સુધી
પહોંચી હોવાની પણ ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે