Rozgar Mela: પીએમ મોદીએ રોજગાર મેળાની કરી શરૂઆત, ગુજરાતના 372 યુવાનોને મળ્યા નિમણૂંક પત્ર

PM Modi launch Rozgar Mela: આ પ્રસંગે ગુજરાતમાં પોસ્ટ વિભાગ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટી, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેલનોલૉજી, યુનિયન બેંક, સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ 372 કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયાં છે. 

Rozgar Mela: પીએમ મોદીએ રોજગાર મેળાની કરી શરૂઆત, ગુજરાતના 372 યુવાનોને મળ્યા નિમણૂંક પત્ર

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી દ્વારા યુવા સામર્થ્યથી વિકસિત ભારતના વિરાટ સંકલ્પને નવું બળ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં 10 લાખ યુવાનોને નિયુક્તિ આપવા માટેના રોજગાર મેળાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી-પીડીઈયુ, ગાંધીનગર સહિત દેશનાં જુદા જુદા 50 સ્થળે પીએમ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 75 હજાર જેટલા યુવાનોને નિયુક્તિપત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા છે. જે પૈકી ગુજરાતના 30 યુવાનોને કેન્દ્રીય મંત્રી  પુરુષોત્તમભાઈ રૂપાલા તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતમાં પોસ્ટ વિભાગ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટી, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેલનોલૉજી, યુનિયન બેંક, સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ 372 કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયાં છે. 

આ પ્રસંગે નિમણૂકપત્રો મેળવનાર યુવાનોને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 21મી સદીના ભારતમાં સરકારી નોકરી કોઈ સુવિધા નથી, પરંતુ સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ તક છે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, સેવાની ચિંતા અને સમયનું ગૌરવ જાળવી રાખવાનો પ્રયાસ યુવાનોએ કરવો પડશે. નવનિયુક્ત યુવાનો સેવાની ભાવનાને સર્વોપરી રાખી વિકસિત ભારતની આશાઓ પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહી એવો આશાવાદ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા રોજગાર અને સ્વરોજગારના અભિયાનમાં આજે રોજગાર મેળારૂપી એક નવી કડી જોડાઈ રહી છે. આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ કાર્યક્રમ હેઠળ દેશના 75 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં ઘણા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ આ વખતે સામૂહિક નિમણૂક પત્ર આપવાની પરંપરા પણ શરૂ કરવામાં આવી છે, જે દરેક વિભાગમાં સમયમર્યાદાની પ્રક્રિયાને સામૂહિક રીતે પહોંચી વળવાનો સામૂહિક પ્રયાસ છે.

પ્રધાનમંત્રીએ યુવાનો માટે કરેલા સરકારના પ્રયાસો વિશે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી 1.25 કરોડ ભારતીય યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેના માટે દેશમાં વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ગત 8 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા સેંકડો ઉચ્ચ શિક્ષણ સંબંધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. યુવાનો માટે સ્પેસ સેક્ટર ખોલવામાં આવ્યા છે, ડ્રોન પોલિસીને સરળ બનાવી છે જેથી સમગ્ર દેશમાં યુવાનો માટે વધુને વધુ તકોનું નિર્માણ થાય. 2014માં દેશમાં 100 જેટલાં સ્ટાર્ટઅપ હતા, આજે તે આંકડો 80 હજારથી વધારે છે. 

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વ્યવસ્થા બદલવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વડાપ્રધાને દેશના નવા નવયુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. ભૂતકાળકમાં, અરજદારે પોતાના માર્કશીટ-પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે રાજકીય વ્યક્તિઓ કે અધિકારીઓ પર નિર્ભર રહેવું પડતું હતું. તેમાં ઉમેદવાર-અરજદાર યુવાધનનો સમય વેડફાતો હતો. વડાપ્રધાનશ્રીએ સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો માન્ય રાખવાનું ઠરાવ્યું છે. આ પગલું ભરવા પાછળના ઉદ્દેશથી માત્ર પ્રક્રિયા જ સરળ નથી થઈ, પરંતુ પ્રધાનમંત્રીએ યુવાનો પર રહેલો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે કે યુવાન ક્યારેય કોઈ ખોટું પગલું ભરશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news