RBIના ગવર્નર શક્તિકાંત દાસે કચ્છના ધોરડોની લીધી મુલાકાત, સ્કૂલના બાળકો સાથે કરી ચર્ચા

કચ્છના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભારતની કેન્દ્રીય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ કચ્છ પહોંચ્યા હતા. તેમણે ધોરડો ગામની મુલાકાત લીધી હતી અને સરપંચ સાથે ચર્ચા કરી હતી. 

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કચ્છના ધોરડોની લીધી મુલાકાત, સ્કૂલના બાળકો સાથે કરી ચર્ચા

રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણમાં યોજાતો રણોત્સવ 26મી ઓકટોબરથી શરૂ થઈ ચૂક્યું છે અને દર વર્ષે અનેક અધિકારીઓ તેમજ સેલિબ્રિટી સહિતના પ્રવાસીઓને રણ આવકરે છે. ત્યારે આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ પરિવાર સાથે આજે રણની મુલાકાતે આવ્યા હતા.

સરહદી જિલ્લા કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં આ વખતે રણોત્સવનું આયોજન 26મી ઓકટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. 4 મહિના ચાલતા આ રણોત્સવમાં દર વર્ષે ભારતના જુદાં જુદાં રાજ્યોના તેમજ વિશ્વના ખૂણે ખૂણેથી અનેક લોકો અને મોટા મોટા અધિકારીઓ કુદરતનો અદભૂત નજારો જોવા ઉમટતા હોય છે. ત્યારે દેશની સર્વોચ્ય બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 25માં ગવર્નર શકિતકાંત દાસ કચ્છની મુલાકાતે આવ્યા છે.

કચ્છના ખાવડા વિસ્તારના ધોરડો ખાતે યોજાતા રણોત્સવમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે મુલાકાત લીધી હતી અને ધોરડો ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. તેમના આગમનથી ધોરડોના સરપંચ મિયા હુસેન અને ગામના અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ધોરડો ગામના સ્થાનિક સોહેબ મુત્વાએ  વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે પરિવાર સાથે પહેલા ધોરડો ગામની મુલાકાત લીધી હતી. ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું તો ત્યાર બાદ ગામની શાળાના બાળકો સાથે મુલાકાત કરીને બાળકોને અભ્યાસ પર ધ્યાન આપી આગળ આવી ગામના વિકાસ માટે તેમજ ગામને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શક્તિકાંત દાસ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના લોકોની મહેમાનગતી તેમજ સ્વભાવથી પ્રભાવિત થયા હોવાનું પણ જણાવ્યું હતું. અને ત્યાર બાદ રણોત્સવની મુલાકાત માટે તેઓ નીકળી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news