પાવાગઢ જંગલમાં બની નેચર રિફોર્મની અદભૂત ઘટના, નામશેષ થયેલો દુર્લભ છોડ આપોઆપ ઉગ્યો
Pavagadh Hill Station : 57 વર્ષ અગાઉ 1966 માં વનસ્પતિશાસ્ત્રી ડૉ. જી.એમ.ઓઝાએ પોતાના સંશોધન દરમ્યાન આ પ્રજાતિના છોડ વિશે નોંધ કરી હતી. ત્યાર બાદ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ હતી. જે હવે આટલા વર્ષો બાદ એક્સપર્ટ ડૉ.સંદીપ પટેલને મળી આવી
Trending Photos
Panchmahal News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : પ્રકૃતિપ્રેમીઓ અને તેના સંશોધકો માટે ખૂબ જ સારા અને અકલ્પનિય કહી શકાય તેવી ખબર માં મહાકાળીના ધામ પાવાગઢથી સામે આવી છે. પાવાગઢની તળેટીમાં સંશોધકોને મળેલા પુરાવા એ વાતની સાબિતી પુરી રહ્યા છે કે આ વિસ્તારમાં પ્રકૃતિ પોતાની જાતને રીફોર્મ એટલે કે પૂર્વવત કરી રહી છે. શું છે આ અભૂતપૂર્વ ઘટના જોઈએ આ વિશેષ અહેવાલમાં
પંચમહાલ જિલ્લાના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પાવાગઢ અને જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં અનેક એવા ઔષધીય ગુણોથી ભરપૂર અને હાલની સ્થિતિ એ દુર્લભ ગણી શકાય એવા છોડ મોજુદ છે. જે દુનિયામાં ક્યાંય જોવા નથી મળતા. ઘણીખરી ઔષધીય અને ફડાળ તેમજ શાકભાજીની પ્રજાતિઓ વિલુપ્ત થઇ ગઇ છે. જ્યારે કેટલીક વિલુપ્ત થવાના આરે છે. ત્યારે હાલમાં જ પાવાગઢ તળેટીમાં નિર્માણ પામેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલ વનકવચ નામના વનમાંથી નિર્માણ પ્રક્રિયા દરમ્યાન દમણ સાયન્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વર્ગીકરણ શાસ્ત્રી ડૉ. સંદીપ પટેલે જ્યારે આ વનની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને એક અતિ દુર્લભ પ્રજાતિનો છોડ મળી આવ્યો હતો. આ છોડ અંદાજિત 57 વર્ષ બાદ તેની જાતે જ ઊગી નીકળ્યો હોવાનું ડૉ. સંદીપ પટેલના સંશોધનમાં સામે આવ્યું હતું.
વાત જંગલી કંકોડાના છોડની છે, જેની આ વિશિષ્ટ કહી શકાય તેવી પ્રજાતિ 57 વર્ષ બાદ પાવાગઢમાં જોવા મળી છે. આ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ મોમોડિટા ડેન્યુડીટા છે. 57 વર્ષ અગાઉ 1966 માં વનસ્પતિશાસ્ત્રી ડૉ. જી.એમ.ઓઝાએ પોતાના સંશોધન દરમ્યાન આ પ્રજાતિના છોડ વિશે નોંધ કરી હતી. ત્યાર બાદ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ હતી. જે હવે આટલા વર્ષો બાદ એક્સપર્ટ ડૉ.સંદીપ પટેલને મળી આવી છે.
સામાન્ય રીતે ભારત અને શ્રીલંકાના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી જંગલી કંકોડાની આ જાતને વન વિભાગ દ્વારા પાવાગઢ તળેટી વિસ્તારમાંના મિયાંવાકી વન બનાવવાની પ્રક્રિયા દરમ્યાન શોધી કાઢવામાં આવી છે. આ વિશે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનરક્ષક ડો.મીનલ જોશી જણાવે છે કે, મળી આવેલી દુર્લભ જાતિના છોડ અંગે તેના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવશે. આ છોડ જે સામાન્ય રીતે અન્ય વૃક્ષો પર ઉગે છે અને સાતથી આઠ ફૂટની ઉંચાઈ સુધી પહોંચી શકે છે, તેના ઔષધીય અને અન્ય ગુણો માટે અભ્યાસ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે