ગુજરાતના મંત્રી બાવળિયાની શાળામાં વિદ્યાર્થિનીએ ખાધો ગળેફાંસો, આપઘાત કરવાનું કારણ અકબંધ
સોમવાર રાત્રે વિંછીયામાં આવેલ મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલ કેમ્પસમાં ધો.10મા અભ્યાસ કરતી કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો.
Trending Photos
રાજકોટ: વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિંછીયાના અમરાપરમાં આવેલી મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ કોઈ કારણોસર વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત ખૂલી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી કાજલ જોગરજીયા એ આપઘાત કર્યો છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. વિંછીયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સોમવાર રાત્રે વિંછીયામાં આવેલ મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલ કેમ્પસમાં ધો.10મા અભ્યાસ કરતી કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ સ્કૂલ સત્તાધીશોને થતાં તાત્કાલિક દોડી જઇ વિદ્યાર્થિને નીચે ઉતારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વિદ્યાર્થીનીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
મૃતક વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ-10મા અમરાપુર સંસ્થામાં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે ધોરણ-9થી સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને ગત રાત્રે (સોમવાર) 10 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો. પરંતુ ત્યારે હું સૂતો હતો એટલે ફોન ઊપડ્યો ન હતો. પછી 10 મિનિટ બાદ બાવળિયાનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમે વિંછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ. તમારી દિકરીએ ગળેફાંસો ખાધો છે.
આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેથી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા વિદ્યાર્થિનીનું નામ કાજલ મુકેશભાઇ જોગરાજીયા હોવાનું અને અત્રે હોસ્ટેલમાં જ રહેતી હોવાનું તેમજ ધો.10મા અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે તજવીજ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિંછીયાની આદર્શ સ્કૂલનું સંચાલન કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા કરી રહ્યા છે. આ આદર્શ સ્કૂલમાં જસદણ પંથક અને આસપાસના તાલુકાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે