વાઘાણી સાહેબ હવે શું પગલા લેશો? પ્રિન્સીપાલે જ સૌરાષ્ટ્ર યુનિ.નું બી.કોમનું પેપર ફોડ્યું
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) નું પેપર અમરેલીના બાબરાની લૉ કોલેજના પ્રિન્સિપાલે જ ફોડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ સામે આવ્યું છે. પેપર લીક (paper leak) મામલે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે. પેપર ફોડનારથી લઈને વોટ્સએપમાં ફોરવર્ડ કરનારની ધરપકડ થઈ છે. ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com. સેમેસ્ટર ત્રણનું અર્થશાસ્ત્રનું પેપર હતું. જે પરીક્ષા પહેલા જ રાજકોટની ગીતાંજલિ કોલેજના ગ્રુપમાં ફૂટી ગયું.
આમ આદમી પાર્ટી (AAP Gujarat) એ પેપર ફૂટ્યાની ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે 10 વાગ્યે પેપર હતું પરંતુ ગ્રુપમાં પેપર સવારે 9 વાગ્યેને 11 વાગ્યે જ લીક થઈ ગયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે ફરિયાદ કરી છે. જે બાદ યુનિવર્સિટી પોલીસે શકમંદોને પકડી લીધા છે. ગ્રુપમાં પેપર ક્યાંથી આવ્યું તેની પોલીસ તપાસ શરૂ કરી હતી. ગ્રુપના જે વ્યક્તિના નંબર પરથી આ પેપર મુકવામાં આવ્યું હતું, તે વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને 58 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી ગયું છે. બેદરકારી જેની પણ હોય પણ અંતે ભોગવવાનું વિદ્યાર્થીઓને આવી રહ્યું છે. તેમજ 3 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
(1) દિલાવર રાહીમભાઈ કુરેશી - મૂળ પ્રભાસ પાટણ, ગીર સોમનાથ (પ્રિન્સિપાલ, સરદાર પટેલ લો કોલેજ, બાબરા, અમરેલી)
(2) રાહુલ ભુપતભાઇ પંચાસરા મૂળ બાબરા ( કલાર્ક, સરદાર પટેલ લો-કોલેજ બાબરા, અમરેલી )
(3) પારસ ગોરધન રાજગોર મેવાસા- ચોટીલા (ગાયત્રી ગુરુકૃપા આર્ટસ એન્ડ કૉમેર્સ કોલેજ, લાઠી, અમરેલી
(4) દિવ્યેશ લાલજીભાઈ ઘડુક - સાનથલી- જસદણ (હરિવંદના કોલેજ, રાજકોટ)
(5) ચોવટિયા એલિશ પ્રવીણભાઈ - કોટડા પીઠા - બાબરા (ગીતાજલી કૉલેજ રાજકોટ)
(6) ભીખુ સેજલિયા, પટાવાળો અને રસોઈઓ
પેપર લીક કાંડ મુદ્દે રાજકોટના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે, ક્રાઇમ બ્રાન્ચ સહિતની 6 ટિમો બનાવીને પોલીસે આરોપીની સામે કાર્યવાહી કરી હતી. રાજકોટની ગીતાંજલી કોલેજમાંથી જ પેપર ફૂટ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું સામે છે. પેપર ફોડનારથી લઈને વોટ્સએપમાં તેને ફોરવર્ડ કરનારા તમામ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બાબરાના લો કોલેજના પ્રિન્સીપાલ અને પ્રોફેસરની મુખ્ય સંડોવણી સામે આવી છે. ક્લાર્ક સહિત 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ સામે આઈ.પી.સી 406 અને 120(બી) અને 120(સી) હેઠળ ગુનો દાખલ કરાયો છે. બાબરા કોલેજના અધ્યાપક દિલાવર કુરેશીની અટકાયત કરાઈ છે. સાથે જ કલમ 409 અને 72 અને 72(એ)ની કલમ પણ લગાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં અગાઉ ક્યારે પેપર લીક થયા હતા
- 27 એપ્રિલ 2014 માં બીસીએ લોરીયસ કોલેજમાંથી રાજકોટ
- 27 ઓક્ટોબર 2016 માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર વોટ્સએપ પર ફરતું થયું....
- 23 ડીસેમ્બર 2021 અર્થશાસ્ત્ર બી.કોમ સેમેસ્ટર-3...
પેપર લીકકાંડ મુદ્દે પોલીસે માહિતી આપી કે, ક્રાઇમ બ્રાન્ચ સહિતની 6 ટીમો બનાવીને પોલીસે આરોપીની સામે કાર્યવાહી કરી છે. આરોપી વિદ્યાર્થી આલેશ ચોવટિયા બાબર કોલેજનો વતની છે. જેને આધારે પ્રિન્સિપાલ સહિતના આરોપીઓની પૂછપરછ કરી હતી. આરોપી પારસ રાજગોર પણ લાઠી પાસે રહેતો હોવાથી તેની પણ ધરપકર કરી છે. દિલાવર કુરેશી બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલે પારસ રાજગોરને આપ્યું હતું. કોલેજનો ક્લાર્ક રાહુલ પંચાસરા પણ પેપર લીક કરવામાં સામેલ છે. કોલેજના વિદ્યાર્થીઓ વધુ પાસ થાય અથવા તો પોતાના લાગતા વળગતા લોકોને પાસ કરવા લીક કર્યું હોવાનું હાલ અનુમાન લગાવાયુ છે. સમગ્ર મામલે આરોપીઓની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે. મુખ્ય આરોપી પ્રિન્સીપાલ દિલાવર કુરેશી જ છે, જેણે પેપર લીક કરાવ્યુ હતું. અત્યાર સુધી 100 લોકોની પૂછપરછ કરી છે. પેપર કૌભાંડમાં 3 કર્મચારીઓ અને 3 વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે