રાજકોટમાં આજથી નવું જાહેરનામુ : ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ભારે વાહનોને નહિ મળે પ્રવેશ
rajkot police ban on luxury bus on 150 feet ring road : રાજકોટમાં આજથી 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી લક્ઝરીના પ્રવેશ પર પ્રતિબંધ.... સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લક્ઝરી બસ અને ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો.... પોલીસ કમિશનરે 5 મહિના પહેલાં બહાર પાડેલું જાહેરનામું અમલમાં આવ્યું.... જેમાં મીની બસને અપાઈ છૂટ...
Trending Photos
Rajkot News રાજકોટ : રંગીલા રાજકોટમાં પણ હવે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. ખાસ કરીને લોકોથી ધમધમતા રોડ પર ટ્રાફિકનું નિયમન માથાનો દુખાવો બન્યો છે. આવામાં મોટા વાહનોની અવરજવરથી વધુ ટ્રાફિક થાય છે. તેથી રાજકોટના હાર્દ સમા 150 ફૂટ રીંગ રોડ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આજથી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
ખાનગી લક્ઝરી બસ નહિ પ્રવેશે
રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, આજથી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે. આ રોડ પર સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લક્ઝરી બસ તેમજ ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસ પ્રવેશ કરી શકશે નહીં.
પાંચ મહિના પહેલા બહાર પાડેલા જાહેરનામાનો અંતે અમલ
પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે બહાર પાડેલું જાહેરનામું અંતે અમલમાં આવ્યું છે. પાંચ મહિના પૂર્વે અગાઉ રાજકીય દબાણના લીધે આ જાહેરનામું અટકાવી દેવાયું હતું. જોકે, આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે. શહેરમાં બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું, પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું.
રાજકીય દબાણને કારણે જાહેરનામું અટક્યુ હતું
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ગત તારીખ 15 જુલાઈ, 2023 ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ ખાનગી બસના સંચાલકોએ રાજકીય દબાણ ઊભું કરતા જેતે સમયે જાહેરનામાનો અમલ અટકાવી દેવાયો હતો. અંતે એ જાહેરનામાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને ખાનગી બસને દિવસ દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર પ્રવેશબંધી શરૂ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે