ગુજરાતમાં દારૂબંધીનાં ધજાગરા! લગ્નપ્રસંગમાં ઉડી દારૂની છોળો, વરરાજાએ રિવોલ્વર સાથે કર્યા સીનસપાટા!
રાજકોટમાં લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ યુવકો હાથમાં દારૂની બોટલ સાથે નાચગાન કરી રહ્યા છે. જેમાં તિરંગા ફિલ્મના ગીત ‘પીલે પીલે ઓ મોરે રાજા’ પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા વીડિયોમાં કેદ થયા હતા.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળતી રહે છે. ત્યારે રાજકોટમાં લગ્નપ્રસંગમાં ડાંડીયારાસનાં કાર્યક્રમમાં દારૂની છોડો ઉડતી હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં તિરંગા ફિલ્મના ગીત ‘પીલે પીલે ઓ મોરે રાજા’ પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમ્યા કેદ થયા હતા. વીડિયો વાયરલ થતા ભક્તિનગર પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં જોવા મળેલા દ્રશ્યો અચંભીત કરી દેશે. કારણ કે, આ દ્રશ્યો બિહાર કે રાજસ્થાનનાં નહિં પરંતુ છે રાજકોટનાં...ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં તો આવે છે પરંતુ ખુલ્લેઆમ દારૂનું વેંચાણ થાય છે તેની આ વિડીયો સાક્ષી પુરે છે. રાજકોટમાં લગ્નપ્રસંગમાં ખુલ્લેઆમ યુવકો હાથમાં દારૂની બોટલ સાથે નાચગાન કરી રહ્યા છે. જેમાં તિરંગા ફિલ્મના ગીત ‘પીલે પીલે ઓ મોરે રાજા’ પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા વીડિયોમાં કેદ થયા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં આજ લગ્ન પ્રસંગનાં વરઘોડામાં વરરાજાનાં હાથમાં હથિયાર આપતો શખ્સ પણ જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વીડિયો રાજકોટનાં સહકાર મેઇન રોડ પરનો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી 8 શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દારૂબંધીના ધજાગરા ઉડાવવા મામલે 7ની ધરપકડ #Gujarat #News #Rajkot pic.twitter.com/H0ppVr4t07
— Zee 24 Kalak (@Zee24Kalak) February 21, 2023
શું હતો સમગ્ર મામલો?
રાજકોટના સહકાર મેઇન રોડ પર ત્રણ દિવસ પૂર્વે રાત્રિના નામચીન શખસ અજય રાયધનભાઇ કુંભારવાડિયાના ભાઇ વિજયના લગ્નનું ફૂલેકું નીકળ્યું હતું. ફૂલેકામાં જોડાયેલા તેના મિત્રોએ જાહેરમાં દારૂની છોળો ઉડાવી હતી. એટલું જ નહીં, એક શખસે વરરાજાને પોતાની પરવાનાવાળી રિવોલ્વર આપી હતી અને એ રિવોલ્વર હાથમાં રાખી ઘોડેસવાર વરરાજાએ સીન નાખ્યા હતા. આ ઘટનાના ચાર વીડિયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાઇરલ થયા હતા. વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વરરાજા સહિત આઠ શખસને ઝડપી લઈ તેની શાન ઠેકાણે લાવી દીધી હતી.
પોલીસનાં કહેવા મુજબ, વિજયના લગ્નના ફૂલેકામાં ‘આજ મેરે યાર કી સાદી હૈ મુજે કોઈ રોકો ના’, ‘પીલે પીલે ઓ મોરે રાજા’ જેવાં ગીત પર જાનૈયાઓ નાચતા હતા અને રૂપિયાનાં બંડલ પણ ઉડાડતા હતા. જાનૈયાઓ ખુલ્લેઆમ દારૂની બોટલમાંથી એકબીજાને દારૂ પીવડાવતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, બોટલમાંથી દારૂ પી તેના કોગળા કરતા પણ દેખાયા હતા. અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલા નામચીન શખસ અજય રાયધન કુંભારવાડિયાના ભાઇ વિજયના લગ્ન પ્રસંગનું ફૂલેકું સહકાર સોસાયટી શેરી નં.4 માંથી નીકળ્યું હતું, જેમાં દારૂની છોળો ઊડી હતી.
વીડિયો ફરતા થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. સરવૈયા સહિતની ટીમે સહકાર સોસાયટીમાં રહેતા વિજય રાયધન કુંભારવાડિયાનું હોવાનું સ્પષ્ટ કરી સૌપ્રથમ વરરાજાને જ ઝડપી લીધો હતો. ત્રણ દિવસ પૂર્વે જેનું વાજતે ગાજતે ફૂલેકું નીકળ્યું હતું. તે વિજય કુંભારવાડિયાનું પોલીસ સ્ટેશનમાં આગવી ઢબે પોલીસે ફૂલેકું કાઢતાં તે ‘પોપટ’ બની ગયો હતો અને તેણે હાથ જોડીને સમગ્ર હકીકત પોલીસ સમક્ષ વર્ણવી દીધી હતી.
દારૂની છોળો ઉડાવનાર હિરેન ઉર્ફે હરિ અરવિંદ પરમાર, તેનો ભાઇ પ્રતીક ઉર્ફે કાળિયો અરવિંદ પરમાર, ધવલ મગન મારુ, દામજી મેપા પ્લોટનો ગટિયો, અંકુર રોડના મયૂર ભરવાડ, દામજી મેપા પ્લોટના ધર્મેશ ઉર્ફે આસુડો અને નીતિન ખાંડેખાને ઝડપી લઇ સાતેયની આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
જ્યારે કોઠારિયા રોડ પરના આસોપાલવ પાર્કના રામેશ્વર એવન્યુમાં રહેતા જિતેન્દ્ર રાઘવ તલાવિયાએ પોતાની પરવાનાવાળી રિવોલ્વર વરરાજા વિજય કુંભારવાડિયાને આપી હોવાનું ખૂલતાં પોલીસે વિજય અને જિતેન્દ્ર સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વરરાજા વિજયને પણ રાત્રે જ પકડી લીધો હતો. દારૂની મહેફિલમાં અજય ઉર્ફે જબરોનું નામ ખૂલતાં તેની શોધખોળ શરૂ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે