વેક્સીનને અંધશ્રદ્ધા સાથે જોડતું રાજકોટ કલેક્ટરનું મોટું નિવેદન, કહ્યું-આ કારણે લોકો રસી નથી મૂકાવતા

વેક્સીનને અંધશ્રદ્ધા સાથે જોડતું રાજકોટ કલેક્ટરનું મોટું નિવેદન, કહ્યું-આ કારણે લોકો રસી નથી મૂકાવતા
  • રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે
  • રાજકોટ કલેક્ટરે કહ્યું, ગામડાના યુવાનોને સરકારના આદેશ બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ જિલ્લો બહુ જ ઝડપથી કોરોનામાંથી રિકવર થઈ રહ્યો છે. રાજકોટના અનેક ગામડાઓ કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં વેક્સીનેશન (vaccination) મંદ ગતિએ ચાલી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. ત્યારે રાજકોટમાં રસીકરણ ઓછુ થવા અંગે જિલ્લા કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગેર માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિન મુકાવતા નથી. 

ત્રીજી લહેર માટે રાજકોટમાં તૈયારીઓ શરૂ - કલેક્ટર 
વેક્સીનેશનને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને માહિતી આપી હતી. સાથે જ તેમણે રાજકોટમાં કોરોનાની સ્થિતિ અને મ્યુકરમાઇકોસિસ વિશે પણ આંકતા આપ્યા. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને પહોંચી વળવા રાજકોટ તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં બેડ વધારવા, બાળકોની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

ગેરમાન્યતાઓને કારણે લોકો વેક્સિન નથી મૂકાવતા 
સાથે જ તેમણે ઓછા વેક્સીનેશન મુદ્દે કહ્યું કે, ગેર માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સીન મૂકાવતા નથી. સૌથી ઓછા વેક્સિનેશનવાળા ગામમાં સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગામડાના યુવાનોને સરકારના આદેશ બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. હાલ અમારી પાસે 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકો માટે પૂરતા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. 

રાજકોટ શહેરમાં 6.70 લાખ, જ્યારે રાજકોટ જિલ્લામાં 3.73 લાખ લોકોને જ રસીકરણ કરાયું છે. રાજકોટમાં 2.62 લાખ યુવાનોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે. 

રાજકોટમાં 145 ગામ કોરોનામુક્ત
રાજકોટ જિલ્લાના 145 જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો છે. આ તમામ ગામો એવા છે જ્યાં પ્રથમ લહેરમાં ક્યાંક ઓછા કેસ જોવા મળ્યા હતા, તો ક્યાંક વધુ કેસ જોવા મળ્યા હતા. પરંતુ પૂરતી તકેદારી રાખતા આ આફતથી જિલ્લાના 145 ગામોએ કોરોનાને હરાવ્યો છે. રાજકોટ તાલુકાના 44 ગામ, પડધરીના 14, લોધિકાના 14, જેતપુરના 4, ગોંડલના 20, કોટડાસાંગાણીના 23, જસદણના 23, વીંછિયાના 22, ઉપલેટાના 15 અને જામકંડોરણાના 4 ગામનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news