ગુજરાતમાં શ્રીકાર વર્ષા: સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી તો મધ્ય ગુજરાતમાં 3 દિવસથી તબક્કાવાર વરસાદ

ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જામતું જાય છે. રાજ્યનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાનાં ઉમરાપાડામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી તો મધ્ય ગુજરાતમાં 3 દિવસથી તબક્કાવાર વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જામતું જાય છે. રાજ્યનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાનાં ઉમરાપાડામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં તંત્રની યુદ્ધનાં ધોરણે થયેલી તૈયારીઓ સામે આવી હતી. એક ટ્રક અને એક એએમટીએસની બસ ફસાઇ ગઇ હતી. મધ્યગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વડોદરામાં આણંદ, નડીયાદમાં કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટોઉદેપુરમાં પણ ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તો છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ તબક્કાવાર પડી રહ્યો છે. જાફરાબાદ, અમરેલી, રાજુલા, ખાંભા, મહુવા, તળાજા, ભાવનગર, ઉના, ગીરગઢડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસથી વરસાદ
સૌરાષ્ટમાં આજે પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ વાવણીમાં અમી છાંટણા પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધીમી ધારે વરસાદ પડે તે બધુ પાણી જમીનમાં ઉતરે છે અને વાવણી સારી થાય છે. સમગ્ર અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આ જિલ્લાઓની મોટા ભાગની નદીઓમાં પુર આવ્યા છે.

સુરતમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા
વહેલી સવારથી જ સુરતમાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે. ધોધમાર વરસાદનાં પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બીઆરટીએસ રૂટ પર પણ પાણી ફરી વળ્યા હતા. શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડી રાતથી જ સુરત શહેરનાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે અચાનક વરસાદ વરસી રહ્યો હતો.

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદથી વિકાસનાં દાવાઓ વહી ગયા
અમદાવાદમાં મોડી રાત્રે પવન અને વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડકનો અહેસાસ થયો હતો. મોડી રાત્રે સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડતા શહેરનાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે વરસાદનાં કારણે રોડ પર બેસી જતા અનાજ ભરેલી ટ્રક ઉથલી પડી હતી. જ્યારે મલાવ તળાવ પાસે ભુવામાં બસ ફસાઇ ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news