હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો ઘટસ્ફોટ, કહ્યું; 'તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા...'

Harshad Ribadia:કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ધારાસભ્યો તોડવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપ કોન્ફિડન્ટ નથી એટલે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે.

હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો ઘટસ્ફોટ, કહ્યું; 'તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા...'

ગૌરવ પટેલ/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને ઝટકા પર ઝટકા પડવા લાગ્યા છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભળાટ મચી ગયો છે. હવે આવતીકાલે (ગુરુવાર) હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવતી કાલે તેઓ કેસરિયા કરશે.

આ સાથે જ હર્ષદ રીબડિયાને લઈને કોંગ્રેસનો મોટો ઘટસ્ફોટ થયો છે, કારણ કે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હર્ષદ રિબડિયા પર ખુબ જ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા હર્ષદભાઈનો એક વીડિયો આવ્યો હતો. તેમાં તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા હતા. હવે તેમને સ્પષ્ટ કરવું જોઈએ કે ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની? સાર્વજનિક જીવનમાં તેમણે સ્પષ્ટતા કરવી કોઈએ કે તેઓ કેમ ગયા? 

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ધારાસભ્યો તોડવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપ કોન્ફિડન્ટ નથી એટલે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે. કોંગ્રેસના આત્મવિશ્વાસને ડગાવવાના પ્રયત્નો થઈ રહ્યો છે. પરંતુ તેમના મનસૂબા પાર નહીં પડે. દરેક બેઠક માટે અમારા પાસે પહેલાથી જ વિકલ્પ તૈયાર છે. કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. અમારી પાસે 4-5 એન્ગલથી તમામ 182 બેઠકનો રિપોર્ટ તૈયાર છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, અમને ખબર છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયો ધારાસભ્ય હારવાનો અને કયો જીતવાનો છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાં પાર્ટી ડેમેજકંટ્રોલ થઈ રહ્યું છે. ભાજપે આ પ્રથમ વાર નથી કર્યું, ઘણા સમયથી તેઓ કોંગ્રેસને તોડી રહ્યા છે. પરંતુ આજે મારે જણાવવાનું છે કે કોંગ્રેસ જીતશે અને વધારે મતોથી પક્ષ પલટુ બેઠકો હારશે.

રધુ શર્માએ આપ પર પણ આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ દિલ્હીમાં આપલા વાયદા પૂરા કર્યા નથી તે ગુજરાતમાં કેવી રીતે વાયદા પૂરા કરશે.

ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે હર્ષદ રિબડિયાએ વિધાનસભાના  ​​સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. હવે એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. હાલ આ વાત સ્પષ્ઠ થઈ નથી કે, તેઓ આગળ કઈ પાર્ટીમાં જોડાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news