PSM 100: અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ લીધી નગરની મુલાકાત
Pramukhswami Maharaj Shatabdi Mohotsav: અમદાવાદના આંગણે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શતાબ્દી મહોત્સવનું આજે સમાપન થયું છે. સમાપન સમારોહમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. મહંત સ્વામીની હાજરીમાં એક મહિનાથી ચાલતા શતાબ્દી મહોત્સવનું આજે લાખો હરિભક્તોની હાજરીમાં સમાપન કરવામાં આવ્યું હતું.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહનું આજે સમાપન થયું છે. એક મહિનાથી અમદાવાદમાં ચાલતા ઐતિહાસિક મહોત્સવનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. એક મહિના દરમિયાન 1 કરોડ 21 લાખ લોકોએ પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર જોવા મળ્યા હતા.
સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ – ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો.
અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું.
પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર કરોડો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. BAPS મંદિરોના વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભાવને દર્શાવતી વિડિયો રજૂ કરવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોનું નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળા કૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદભુત ક્રાંતિની વાત કરી. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત અનોખા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોની પ્રેરણાદાયી સૃષ્ટિની વિડિયો દ્વારા ઝાંખી કરાવવામાં આવી.
ત્યારબાદ BAPS સંસ્થાના સદ્ગુરુ સંતો –પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી અને પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પરાભક્તિ, સાધુતા, નમ્રતા તેમજ જીવન અને કાર્યને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોએ ભાવાંજલિ અર્પણ કરી હતી.
બાળકો અને યુવાનોએ નૃત્યાંજલિ અને વિડિયોના માધ્યમથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભાવવંદના કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા.
લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે