PM મોદીનું સપનું રોળશે ઉદ્ધવ ઠાકરે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે મહારાષ્ટ્ર સરકાર
વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગયા બાદ હવે તે ઘોચમાં પડે તેવી શક્યતાઓ પેદા થઇ છે
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પર સંકટના વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્રમાં સરકારના પરિવર્તન સાથે આ પ્રોજેક્ટ પર રોક લાગે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. જ્યારથી આ પ્રોજેક્ટ શરુ થયો ત્યારથી જ તેને લઇને અનેક વિવાદ અને વિરોધ થયા છે. મહારાષ્ટ્રમાં પણ સ્થાનિકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો પરંતુ તે વખતે ભાજપની સરકાર હોવાથી કામગીરી પર રોક લાગી નહોતી. પણ હવે નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સત્તા સંભાળ્યાના બીજા જ દિવસે આ પ્રોજેક્ટની સમિક્ષાનો નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો સૌથી મોટો કોઇ પ્રોજેક્ટ હોય તો એ અમદાવાદ-મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. વર્ષ 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે આ મુદ્દે કરાર થયા હતા. વર્ષ 2017માં આ બંને પ્રધાનમંત્રીઓએ અમદાવાદના સાબરમતિ રેલ્વે સ્ટેશન પાસે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. 1.1 લાખ કરોડ રૂપિયાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર હવે ગ્રહણ લાગે તેવી શક્યતા છે કારણ કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આ પ્રોજેક્ટની સમિક્ષા કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સત્તા સંભાળ્યાના 48 કલાકમાં ફડણવીસ સરકારના તમામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની આર્થિક સ્થિતિને લઇને પણ શ્વેત પત્ર જાહેર કરવાની તૈયારી કરી છે. ત્યારે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ તેઓ સમિક્ષા કરશે અને આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે કેટલો ફાયદાકારક છે તેના પર અંતિમ નિર્ણય લેવાશે.
સુરત : પ્લાસ્ટિકના થેલામાં દારૂની બોટલો છુપાવીને લઈ જતી 3 મહિલાઓ પકડાઈ
મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા જ આ પ્રોજેક્ટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ત્યારે હવે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ વગર કોઇ ઉકેલ આવે તેવી શક્યતા નહિવત છે. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટને લઇને વિવાદ રહ્યો છે કારણ કે આ પ્રોજેક્ટનો 70 ટકા હિસ્સો ગુજરાતમાં છે. સૌથી વધુ લાભ પણ ગુજરાતને મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રની નવી સરકાર આ પ્રોજેક્ટની સમિક્ષા કર્યા બાદ આ પ્રોજેક્ટને ચાલુ રાખવો કે કેમ તેનો નિર્ણય લેશે. હાલ તો આ પ્રોજેકટ પર સંકટના વાદળો છવાયા છે ત્યારે આગામી દિવસોમાં આ સ્થિતિ સ્પષ્ટ છે. ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની તમામ લોકોએ રાહ જોવી પડશે. પણ એક વાત તો નિશ્ચિત છે કે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ ચોક્કસ ગરમાશે.
બગોદરા હાઈવે પર અકસ્માતમાં CM રૂપાણીના ભાભી થયા ઈજાગ્રસ્ત
આ પણ એટલું જ મહત્વનું...
- વર્ષ 2015માં જાપાનના પ્રધાનમંત્રીની હાજરીમાં થયા કરાર
- 98 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હવે વધીને 1.1 લાખ કરોડ રૂપિયાનો થયો છે
- 508 કિમી લંબાઇના રૂટ પર દોડશે બુલેટ ટ્રેન
- વર્ષ 2017 માં સાબરમતિ રેલ્વે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી શિંજો આબે એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
- વર્ષ 2017 માં ગુજરાત સરકારે રેલ્વે સાથે આ પ્રોજેક્ટને લઇને MOU કર્યા
- આ પ્રોજેક્ટનું 70 ટકા કામ ગુજરાતમાં થવાનું છે
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઇને હજુ પણ કામગીરી બાકી છે
- જમીન સંપાદન મામલે ગત મહિને જ હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે
- જાપાન સરકારે 88 હજાર કરોડની લોન આ પ્રોજેક્ટ માટે આપી છે
- આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ અમદાવાદ-મુંબઇનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે
- રોજના 50 હજાર મુસાફરોની આવન જાવનનો લક્ષ્યાંક છે
- વર્ષ 2023 માં આ પ્રોજેક્ટ સંપૂર્ણ પણ કાર્યરત થવાનો અંદાજ છે
- જો કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની સમીક્ષા બાદ આ પ્રોજેક્ટનું ભાવિ નક્કી થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે