યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો: પોલીસે કહ્યું; 'પ્રકાશ અને પ્રદીપ પાસેથી જબરદસ્તીથી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા'

ડમી ઉમેદવાર કાંડ મામલે SOGએ યુવરાજસિંહ જાડેજાની મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે હવે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી રહી છે.

યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો: પોલીસે કહ્યું; 'પ્રકાશ અને પ્રદીપ પાસેથી જબરદસ્તીથી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા'

મૌલિક ધામેચા/અમદાવાદ: ભાવનગરના ડમી કાંડ બાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ પર લાગેલા આક્ષેપો આધારે પોલીસે અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધીને અટકાયત કરી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ જાડેજા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે. IPC કલમ - 386, 388, 120(B),114 હેઠળ યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી થશે. ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા યુવરાજસિંહની અટકાયત કરવાની કાર્યવાહી પોલીસ કરી હતી. હવે મેડિકલ તપાસ અને કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ યુવરાજસિંહની ધરપકડ થશે.

યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે- રેન્જ IG
ભાવનગરના રેંજ આઈજી ગૌતમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને યુવરાજસિંહ જાડેજા પાસેથી પુછપરછમાં મળેલી માહિતી વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહને 19 એપ્રિલે કરેલી ફરિયાદના આક્ષેપોના આધારે તપાસ માટે બોલાવ્યા હતા પણ તબિયત નાદુરસ્ત હોવાનું કહી જવાબ માટે આવ્યા નહોતા. આજે ફરી સમન્સ આપી પુરાવા એકત્ર કરી ફરિયાદ નોંધી છે. યુવરાજસિંહે નાણાકીય વ્યવહાર અંગે પૂછપરછ  કરતા ગોળ ગોળ જવાબ આપતા રહ્યા છે. પોલીસ પાસે હકીકત પ્રાપ્ત થઈ તે પ્રમાણે પ્રકાશ અને પ્રદીપ પાસેથી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા.

પ્રેસર ટેકનિકથી પૈસા પડાવવા યુવરાજ સિંહે તખતો ઘડયો
ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, યુવરાજ સિંહે ગત 25 માર્ચના રોજ ભાવનગરમાં ઋષિ બારૈયાનો ડમી વિદ્યાર્થીનો વીડિયો ઉતારેલો હતો અને આ વીડિયોના આધારે પ્રકાશ દવે અને તેમની પત્નીને આ વિડીયો બતાવી ધમકી આપતા હતા. 25 માર્ચ બાદ ત્રણ દિવસ સતત પ્રેસર ટેકનિકથી પૈસા પડાવવા યુવરાજ સિંહે તખતો ઘડયો હતો. ત્યારબાદ યુવરાજના શાળાના ઓફિસ ખાતે પીકેને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં સિધુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનનશ્યામ રાંધવા સહિતની હાજરીમાં પીકે પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પીકેના જણાવ્યા અનુસાર ઘણી આજીજી બાદ 45 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી.

મારુ પતાવી દો , મારો રસ્તો કાઢો એવું પ્રદીપે યુવરાજસિંહને કહ્યું હતું..
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અલગ અલગ લોકો પાસેથી અને મૂળીના 45 લાખ એકત્ર કરી પીકેએ ઘનશ્યામ લાંધવાને આપ્યા હતા. આજે સાતેક વ્યક્તિઓના નામ પ્રેસ કોંન્ફરન્સમાં બોલવાની વાતચીત કરેલી હતી. ઘનશ્યામેં પ્રદીપ બારૈયાને ધમકી આપેલી અને મિટિંગ ગોઠવવા કહેલું હતું. 30 તારીખે ફરી મીટીગ ગોઠવાઈ જ્યાં તમામ લોકોની હાજરીમાં ડાયરી બતાવી માહિતી માંગી ધમકાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારુ પતાવી દો , મારો રસ્તો કાઢો એવું પ્રદીપે યુવરાજસિંહને કહ્યું હતું. યુવરાજસિંહે 10 લાખ આપવાની વાત કરતા 60 લાખની માંગણી કરી હતી.

55 લાખમાં ડિલ ફાઇનલ થતા ત્રણ ટુકડામાં પૈસા આવ્યા હતા...
રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 55 લાખમાં ડિલ ફાઇનલ થતા પ્રદીપે પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ત્રણ ટુકડામાં પૈસા આપ્યા હતા. જેમાં 31 માર્ચે 15 લાખ શિવું ભાની ગાડીમાં આપ્યા હતા. બીજી વખત 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 4 એપ્રિલે પ્રદીપ અને જીગાદાદા 13 લાખ આપવા ગયેલા જે યુવરાજસિંહને પહોંચાડ્યા હતા. પરંતુ યુવરાજે 5 એપ્રિલે પ્રેસ કોંન્ફરન્સમાં નામ નહિ ખોલતા પ્રદીપને હાશકારો થયો હતો.

આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, આજે સમન્સ આપી બોલાવેલા સાયોગિક પુરાવા આધારે યુવરાજ જાડેજા, શીવુભા જાડેજા, કાનભા સહિત રાજુ તરીકે ઓળખાતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ગુપ્ત ચેટ, CCTVમાં હાજરી દેખાતા પુરાવા પણ મળી આવ્યા છે. રેન્જ આઈજીએ કહ્યું હતું કે, યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

યુવરાજસિંહના SOG સમક્ષ હાજર, આપ્યું વિસ્ફોટક નિવેદન
રાજ્યના બહુચર્ચિત ડમી ઉમેદવાર કાંડ મામલે આજે એસ.ઓ.જી નું તેડું મળતા યુવરાજસિંહ જાડેજા એસ.ઓ.જી સમક્ષ હાજર થયા હતા. હાજર થતા પૂર્વે તેમણે ભીડભંજન મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યુવરાજસિંહ ભીડભંજન મંદિરે થી ચાલતા એસઓજી કચેરી પહોચ્યા હતા. જયારે તેમની સાથે સ્થાનિક આપ પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. તેમજ નવાપરા એસ.ઓ.જી કચેરી ની બહાર પ્રેસ યોજી વિસ્ફોટક આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને કોઈ ને કોઈ બહાને મારી નાખવામાં આવશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. 

આજરોજ યુવરાજસિંહ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ જતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને સંબોધન કરતા કેટલાક સણસણતા આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કેટલાક પૂર્વ મંત્રી અને હાલના નેતાઓની પણ સંડોવણી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ મારું નિવેદન નોંધવા સમન્સ કાઢે છે. તો આ પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના અન્ય મંત્રીઓના સમન્સ પણ કાઢી નિવેદન નોંધે તે જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે અવધેશ, અવિનાશ અને અસિત વોરાનું પણ સમન્સ નિકળવું જોઈએ. હાલ હું પોલીસ સમક્ષ 30 નામ લઈને જઈ રહ્યો છું. પરંતુ હજુ 100 જેટલા નામ આપવા માટે સક્ષમ છું. હું પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવીશ તેમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન કેટલાક મંત્રીઓના પણ નામ આવશે. 

તેમણે ઉમેર્યું હતું કે, MPHWની ભરતીમાં ગેરરીતિ મામલે આર.એમ. પેટલનું પણ અમે સ્ટિંગ ઓપરેશન આપ્યું હતું. છતાં પણ હજુ સુધી આર.એમ. પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામ આપ્યા હોવા છતાં પણ આજસુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જે ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓ કે જે કૌભાંડમાં સામેલ છે તેને સરકાર છાવરતી હોવાની વાત તરફ ઈશારો કરે છે. 

યુવરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ રાજકીય રાગદ્વેષથી કિન્નાખોરી રાખી કાર્યવાહીનો કારસો ઘડવામાં આવ્યો છે. પોલીસે મને આરોપના આધારે સમન્સ પાઠવ્યું છે ત્યારે હું પોલીસ સમક્ષ તમામ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના પણ ખુલાસા કરીશ. જો પોલીસ મને નિવેદન માટે બોલાવી તપાસ કરી રહી હોય તો પોલીસે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવું જોઈએ. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્ષેપ કર્યો હતો કે, અમે કેટલાક પુરાવા હર્ષ સંઘવીને પણ આપ્યા હતા. પરંતુ હાલ સુધી તે મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. 

ભાજપ પર આરોપ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં રાજ્યમાં બિનસચિલાયથી માંડી લગભગ તમામ આંદોલનો કર્યા તે માટે ભાજપના નાકમાં દમ આવી ગયો હતો. તેમણે મને ભાજપમાં સમાવી લેવા માટે પ્રયાસો પણ કર્યા પરંતુ હું ભાજપમાં નહીં જોડાતા હવે રાજકીય ષડયંત્રની શરૂઆત થઈ છે. યુવરાજસિંહે જાન પર જોખમ હોવાની વાત કરતા કહ્યું હતું કે, આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે. મને હિટ એન્ડ રન કે અન્ય રીતે મારી હત્યા કરી નાખવામાં આવશે. પોલીસ મારી તપાસ કરી રહી છે તે જ પ્રકારે હું જે નામ આપું તે તમામની તપાસ કરવામાં આવે તેવી મને આશા છે. પરંતુ આજ સુધી મારા પુરાવા પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. 

ઘોરણ 10 અને 12ની નકલી માર્કશીટ મામલે તેમણે જણાવ્યું હતું કે નિલેશ પનોત દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મારા નિવેદનો બાદ હવે હકીકતમાં પોલીસ કામગીરી કરશે કે પછી રાજકીય ઈશારે લોકોને છાવરવામાં આવશે. અને અંતે યુવરાજસિંહ હાજર તો થયા છે જેની ધરપકડ કરવામાં આવશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. હાલ તો એસ.ઓ.જી કચેરી ખાતે તેઓની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જે સાંજ સુધી ચાલે એવી પૂરી શક્યતા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news