ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભભૂકતો રોષ

ડુંગળીનો પાકને ખેડૂતો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તેમ નથી..જેથી ના છૂટકે નીચા ભાવે પણ ડુંગલી વેચવા ખેડૂતો મજબૂર છે..તો બીજી તરફ નિકાસ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ પણ ડુંગળી ખરીદવાથી ડરે છે.
 

ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભભૂકતો રોષ

રાજકોટઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ખેડૂતોને રાતાપાણીએ રોવડાવી રહી છે. મલબલ ઉત્પાદન બાદ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે...વાહનો ભરીને યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે..પરંતુ ચીલ્લર લઈને ઘરે જવા ખેડૂતો મજબૂર બન્યા છે...ત્યારે કેમ ખડૂતોની દશા આવી થઈ છે અને ડુંગળીના ભાવ ગગડવા પાછળ શું છે કારણ..જોઈએ આ વિશેષ અહેવાલમાં.

સારા વરસાદ બાદ ડુંગળીનું સારું ઉત્પાદન જોઈ ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું...ખેડૂતો હરખાતા હતા કે અગાઉ કુદરતી આફત અને માવઠાથી થયેલ નુકસાનની આ વખતે ડુંગળીના ઉત્પાદનથી ભરપાઈ થઈ જશે...પરંતુ ડુંગળી લઈને ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા...તો તેમની આ બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું...ડુંગળીના મબલક ઉત્પાદન વચ્ચે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રની જાણીતી લાલ ડુંગળીની 1.50 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે..હરાજી શરૂ થાય તે પહેલાં જ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની 3થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જાય છે...પરંતુ હરાજીમાં એક મણ ડુંગળીના ભાવ 100થી 300 રૂપિયા જ બોલાતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે..પહેલાં મોંઘા બિયારણ, ખેડ, ખાતર અને દવા સહિત મજૂરીના ખર્ચા કરી ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું...અને તે બાદ વાહનોના ભાડા ભરી યાર્ડ સુધી લાવ્યા...પરંતુ હવે એક મણના 200 રૂપિયા ભાવ મળતા હવે ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી નીકળી શકતા..

પોતાની જાત ઘસીને મહામહેનત ખેડૂતો પાક તૈયાર કરે છે..પરંતુ ઉત્પાદનનો સમય આવે ત્યારે ભાવની રામાયણ શરૂ થઈ જાય છે. ડુંગળી પકવવા એક વીધા દીઠ ખેડૂતો 20થી 25 હજારનો ખર્ચ કરે છે..પરંતુ હાલ ખેડૂતોને મળતા ભાવથી 50 ટકા પણ વળતર નથી મળી રહ્યું...હાલના ભાવમાં ખેડૂતોએ કરેલ ખર્ચ પણ નથી નીકળતો...ખેડૂતોને પ્રતિમણે ડુંગળીના 100થી 150 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે..વર્તમાન ભાવથી ખેડ,ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ વધારે છે. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

ડુંગળીનો પાકને ખેડૂતો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તેમ નથી..જેથી ના છૂટકે નીચા ભાવે પણ ડુંગલી વેચવા ખેડૂતો મજબૂર છે..તો બીજી તરફ નિકાસ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ પણ ડુંગળી ખરીદવાથી ડરે છે. જેથી માત્ર ખેડૂતો જ નહીં પણ વેપારીઓ, કમિશન એજન્ટ અને ફેરિયાઓ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news