PM Modi એ પૂછ્યું- 'શું ગુજરાત અને ગુજરાતીઓની છબિ ખરાબ કરનારાઓને માફ કરવા જોઇએ'?
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીનની સરકારમાં ગુજરાત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે લોકો જૂનાગઢ છોડીને જઇ રહ્યા હતા, રોજી રોટી કમાવવા માટે પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.
Trending Photos
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, તેમ તેમ કેન્દ્રીય નેતાઓની ગુજરાત યાત્રા વધાતી જાય છે. પ્રધાનમંત્રી ફરી એકવાર આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. 15,670 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારે પ્રધાનમંત્રીએ આજે જૂનાગઢમાં લગભગ રૂપિયા 3580 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
આજે પ્રધાનમંત્રીએ જૂનાગઢમાં શિલાન્યાસ બાદ સભાને સંબોધિત કરતાં સિંહ અને નરસિંહને યાદ કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જૂનાગઢ એટલે સિંહની ધરતી અને નરસિંહની પણ ધરતી છે. ગુજરાતના પર્યટન ક્ષેત્ર માટેની રાજધાની જેવી તાકાત મારા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરની છે. 2001 પછી ઇશ્વરની કૃપા જુઓ છેલ્લા 20 વર્ષમાં એકપણ વખત દુકાળ પડ્યો નથી. એક તરફ જનતાના અને બીજી તરફ કુદરતના આશીર્વાદથી વિકાસની ભેખ લઇ જીવન જોતરી દેવાનો આનંદ આવતો હોય છે.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીનની સરકારમાં ગુજરાત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે લોકો જૂનાગઢ છોડીને જઇ રહ્યા હતા, રોજી રોટી કમાવવા માટે પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે ઘણા રાજકીય પક્ષો લોકો અનાપ-શનાપ બોલીને ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેમની સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે.
તેમણે નામ લીધા વિના વિરોધી પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો કોઈ માનવી પ્રગતિ કરે, ગુજરાત પ્રગતિ કરે અમુક રાજકીય પક્ષોને તો પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. હવે, ગુજરાતીઓ અને ગુજરાતનું અપમાન આ ધરતી સહન નહિ કરે. આ દેશમાં કોઈનું અપમાન સહન નહિ થાય. આ પ્રકારની વિકૃત માનસિકતાઓથી લોકોને ચેતવવા જરૂરી છે.
જે દરિયામાં આપણને મુસીબત દેખાતી હતી, તે દરિયો આજે આપણને મહેનતના ફળ આપવા લાગ્યો છે. જે કચ્છનું રણ એની ધૂળની ડમરીઓ આપણા માટે મુસીબતો લઇને ફરતી હતી, તે કચ્છ આપણાં ગુજરાતની ધૂરા સંભાળતું હોય તે રીતે પ્રગતિ કરી રહ્યું છે. એકસમયે બસ કરીને લોકો મા નર્મદાના દર્શન કરવા જતા હતા. હવે, સમય પલટાયો આજે સૌરાષ્ટ્રના ગામડે ગામડાં મા નર્મદા પોતે આશીર્વાદ આપવા આવી રહી છે.
ગુજરાતના માછીમારોની સુરક્ષા, સુવિધા અને કારોબાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપ્યું, જેનું પરિણામ એવું આવ્યું કે 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણું વધી ગયું. આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ ચાલી રહ્યો છે, 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મારા ગુજરાતને મળ્યો છે. કિસાન ક્રેડિટકાર્ડથી ખેડૂતો, માછીમારો અને પશુપાલકો માટે બેંકમાંથી લોન લેવાનું સરળ થઇ ગયું. સાડા ત્રણ કરોડથી વધુ લોકો તેનો લાભ લઇ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટકાર્ડથી નજીવા વ્યાજે પૈસા મળે છે, શાહુકારના ઘરે જવું પડતું નથી, દેવાના ડુંગળ તળે દબાવવું પડતું નથી અને પોતાના ધંધાના વિકાસમાં રૂપિયાનો સાચો ઉપયોગ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે