રાજકોટના એન્ટ્રીગેટ ગોંડલ ચોકડીએ મોતના ખાડા ! ટોલ ઉઘરાવવામાં હીરો, સુવિધા આપવામાં 'ઝીરો'
રાજકોટથી શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારોમાં તેમજ પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, દિવ સુધી જવા માટે વાહન ચાલકોને ગોંડલરોડ ચોકડીએથી પસાર થવુ પડે છે. ઉપરાંત અમદાવાદ હાઈવે તરફથી આવતા ભારે વાહનોનો ટ્રાફિક પણ ગોંડલ રોડ ચોકડીએ ભેગો થતો હોવાથી દરરોજ સવાર-સાંજ ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેરના પ્રવેશ દ્વાર સમી ગોંડલ રોડ ચોકડીએ ફલાયઓવર બ્રીજનું કામ ગોકળગાયની ગતિએ આાગળ વધી રહ્યુ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના આંધળા અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતો સર્જાય તે રીતે ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોવાથી આગામી ચોમાસા દરમિયાન ગોંડલ રોડ ચોકડીએ અકસ્માતમાં કોઈનો ભોગ લેવાય તેવો ખતરો છે.
રાજકોટ શહેરમાંથી ગોંડલ રોડ ઉપર ચડવા માટે અંડરબ્રીજની બહાર નીકળતા જ રોડ ઉપર મસમોટા ગાબડા છે. આ રોડ ડબલટ્રેપ કર્યા છે પણ એટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે કે વાહન ચાલકો ધ્યાન ન રાખે તો ગાબડાઓના કારણે ગમ્મે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
અન્ડરબ્રીજની બહાર નીકળી ગોંડલ હાઈવે ઉપર વાહન ચડાવવામાં મસમોટ ગાબડામાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષ ગોંડલ રોડ ચોકડીની ચારે બાજુ મોતના માચડા જેવા મોટા ભુંગળા અને અધકચરા ડીવાઈડર અકસ્માતને આમંત્રણ આપવા માટે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ ચોકડીએથી શાપર-વેરાવળના ઔદ્યોગિક વિસ્તારનો ભારે ટ્રાફિક રહે છે. સવાર-સાંજ તો રિતસર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે.
આટલા શહેરોને જોડતો આ રસ્તો
રાજકોટથી શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારોમાં તેમજ પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, દિવ સુધી જવા માટે વાહન ચાલકોને ગોંડલરોડ ચોકડીએથી પસાર થવુ પડે છે. ઉપરાંત અમદાવાદ હાઈવે તરફથી આવતા ભારે વાહનોનો ટ્રાફિક પણ ગોંડલ રોડ ચોકડીએ ભેગો થતો હોવાથી દરરોજ સવાર-સાંજ ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ ચોકડીએ ફલાય ઓવરનું કામ ચાલતુ હોવાથી આડેધડ ખોદકામના ખાડા છોડી દેવામાં આવ્યા છે અને કોઈ આડસો પણ મુકવામાં આાવી નથી તેના કારણે ઉલ્ટાની ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને સતત અકસ્માતોનો ભય રહે છે.
કોન્ટ્રાક્ટરો કેન્દ્ર સરકારના આદેશને પણ ઘોડી પી ગયા
કેન્દ્ર સરકારે રાજકોટની ગોંડલ ચોકડીએ 1200 મીટરનો સિંગલ પિલર ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત બે વર્ષ પહેલાં કરી હતી. મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી દીધી પણ કોન્ટ્રાક્ટરો કેન્દ્ર સરકારને પણ ગઠતા નથી. ઓવરબ્રીજનું કામ કરતા કોન્ટ્રાકટ તો ગંભીરતા દાખવતા નથી પરંતુ નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ પણ આંધળા થઈ ગયા હોય તેમ અવાર-નવાર ગોંડલ રોડ ચોકડીના ગાબડાઓમાંથી પસાર થાય છે પરંતુ કોન્ટ્રાકટરનો કાન આમળી ગાબડા રીપેર કરાવતા નથી.
આ ખાડા ચોમાસામાં મોતના ખાડા બને તો નવાઈ નહિ
ચોમાસુ નજીક આવી ગયુ છે ત્યારે ભારે વરસાદની સીઝનમાં ગોંડલ રોડ ચોકડીએ કોન્ટ્રાકટના ઢંગધડા વગરના કામના કારણે ચારે બાજુ પડેલા ગાબડા કોઈનો ભોગ લ્યે કે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે તેવી વ્યાપક લોક માગણી ઉઠવા પામી છે. નહિ તો આ ખાડા ચોમાસામાં મોતના ખાડા બને તો પણ નવાઈ નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે