કચ્છના આ કાર્યક્રમમાં મુંબઇ-બેંગ્લોરથી પણ આવ્યા લોકો, કુદરતી મહેરને બનાવી યાદગાર

અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડતાં અબડાસાનાં મોટા ભાગનાં તળાવ અને ડેમ છલકાઈ ગયા સાથે ઐતિહાસિક અને જેમનાં નામથી મા આશાપુરાનું સ્થાનક ઓળખાય છે એ "રાતા તળાવ" પણ ઓગન્યું હતું

કચ્છના આ કાર્યક્રમમાં મુંબઇ-બેંગ્લોરથી પણ આવ્યા લોકો, કુદરતી મહેરને બનાવી યાદગાર

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છ જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજ્યમાં સૌથી વધારે વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં વરસ્યો છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 99.44 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. મધ્યમ સિંચાઇના અને નાની સિંચાઇના અનેક ડેમો છલકાઈ ચૂક્યા છે. તો આજે અબડાસાના કચ્છની સૌથી મોટી ગૌશાળા અને પાંજરાપોળ ધરાવતા રાતા તળાવ ખાતે મેઘ લાડુ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડતાં અબડાસાનાં મોટા ભાગનાં તળાવ અને ડેમ છલકાઈ ગયા સાથે ઐતિહાસિક અને જેમનાં નામથી મા આશાપુરાનું સ્થાનક ઓળખાય છે એ "રાતા તળાવ" પણ ઓગન્યું હતું. ત્યારે આ મેઘમહેરને સંતો મહંતોનાં વરદહસ્તે પોંખવા અને આ કુદરતી મહેરને યાદગાર કરવા "મેઘ લાડુ" નાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે અબડાસામાં વરસાદ સારો થયો અને અછત પુરી થઈ ગઈ છે. આ વર્ષે અબડાસામાં આજ સુધી 485 મીમી એટલે કે 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે 1992 થી 2022 સુધીના સરેરાશ વરસાદ કરતા 70 મીમી વધારે છે. આ વર્ષે અબડાસામાં 116.87 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરિણામે અહીંના તળાવો ડેમો છલકાઈ ગયા છે. ત્યારે આજે મેઘમહેરને વધાવવા એક મહોત્સવ રૂપી મેઘલાડુંના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વરુણ દેવના વધામણાં સ્વરૂપે રાતા તળાવને વિધિવત રીતે વધાવવામાં આવ્યું હતું.

મેઘલાડું તેમજ તળાવ વધામણાંના કાર્યક્રમમાં અબડાસા તાલુકાના 18 વર્ણના લોકો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાતના જુદાં જુદાં જીલ્લાઓ, મુંબઈ અને બેંગ્લોરથી સંસ્થા સાથે જોડાયેલા લોકો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તો ગૌશાળાની ગાયોને પણ મેઘ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તળાવ વધાવતી વખતે તળાવમાં પોંખવામાં આવેલ પ્રથમ નાળિયેરને લઈ આવનાર તરવૈયાને 5100 રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news