રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર
આ પહેલા ગુજરાત સરકારે કોર્ટમાં અલ્પેશ કથિરીયાને જામીન આપવાને લઈને વિરોધ કર્યો હતો.
Trending Photos
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા છે. ગુજરાત હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા છે. થોડા મહિના પહેલા ત્રણ વર્ષ જૂના કેસમાં અમદાવાદમાં અલ્પેશ કથિરીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા 30 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી હતી ત્યારે સરકારે અલ્પેશને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આ મુદ્દે સુનાવણી માટે 19 નવેમ્બરની તારીખ જાહેર કરતા અલ્પેશની દિવાળી પણ જેલમાં ઉજવવામાં આવી હતી.
અલ્પેશને હાર્દિકની ખૂબ નજીકનો સાથી માનવામાં આવે છે. આ કેસમાં ગઈકાલે સુરત ક્રાઇમબ્રાન્ચ ટ્રાન્સફર વોરંટ દ્વારા અલ્પેશ કથિરીયાને સુરત લઈ ગઈ હતી. તો બીજીતરફ અમદાવાદમાં દિનેશ બાંભણિયાએ સોમવારે અલ્પેશની જેલ મુક્તિને લઈને રણનીતિ ઘડવા માટે એક બેઠકનું આયોજન પણ કર્યું હતું.
નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક સહિત પાસના અન્ય કન્વીનરો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક અને અન્યને જામીન મળી ગયા હતા. પરંતુ અલ્પેશને જામીન નન મળ્યા અને ગઈકાલે ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લઈ જવાયો હતો.
અલ્પેશને જામીન મળતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ચિરાગ પટેલે કહ્યું કે, અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યાં. ત્યારબાદ અલ્પેશની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. અલ્પેશના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, તેને જામીન મળવા જોઈે. તેણે દેશ વિરોધનું કોઈ કૃત્ય કર્યું નથી. ચિરાગ પટેલે જામીન માટે કોર્ટના આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, ભવિષ્યમાં પણ પાટીદાર સમાજના હિતમાં કંઇક પ્રયાસ કરીશું.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ કરીને યુવાનોને ફસાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સરકારી વકીલના અનેક પ્રયત્નો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા તે આનંદની વાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે