મગફળી કાંડની તપાસ હાઇકોર્ટના સિટીંગ જજ પાસે કરાવાની માંગ સાથે પરેશ ધાનાણી કરશે ઉપવાસ
વિરોધપક્ષના નેતાએ કહ્યા પ્રમાણે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. તો 6 મહિનાનો સમય પસાર થયો છતા સરકાર કૌભાંડીઓને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ રાજ્યમાં થયેલા મગફળી કાંડની ન્યાયીક તપાસ કરાવવાની માંગ સાથે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 72 કલાકના ઉપવાસ કરવાન જાહેરાત કરી છે. ઉપવાસ માટે ધાનાણીએ સાબરમતી આશ્રમને પસંદ કર્યું છે. તેમણે આ અંગે અમદાવાદના પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગી છે પરંતુ હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. પરેશ ધાનાણી 16 ઓગસ્ટ ગુરૂવારે સવારે 9.30 કલાકથી 18 ઓગસ્ટ શનિવારે સાંજે 6 કલાક સુધી અન્નનો ત્યાગ કરશે.
વિરોધપક્ષના નેતાએ કહ્યા પ્રમાણે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. તો 6 મહિનાનો સમય પસાર થયો છતા સરકાર કૌભાંડીઓને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે. મગફળીની મલાઇ ભાજપના મળતિયાઓને ન મળી હોય તો સરકાર કેમ કોંગ્રેસની ન્યાયિક તપાસની માંગણી સ્વીકારતી નથી. આ કૌભાંડમાં પડદો પાડવા માટે ગોડાઉન સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. કૃષિ પ્રધાન વિરોધપક્ષની માગણી કેમ સ્વીકારતા નથી. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઇ જેના પ્રમુખ છે તે મંડળીના સંચાલકો આજે પણ ખુલ્લા ફરી રહ્યાં છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિ ઉપવાસ આંદોલનને સફળ બનાવવા મેદાને પડી છે. સમગ્ર ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને ઉપવાસ આંદોલનમાં જોડાવાની જવાબદારી આપવામાં આવી છે.
કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો આપશે સમર્થન
પરેશ ધાનાણી 72 કલાકના ઉપવાસ કરવાના છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો તેમને સમર્થન આપશે. 16મી ઓગસ્ટે સાવરે 9 થી 12 અમદાવાદ શહેર-જિલ્લા અને ગાંધીનગર શહેરના કાર્યકરો ઉપવાસમાં જોડાશે. તો બપોરે 12 થી 3 અરવલ્લી અને સાબરકાંઠાના આગેવાનો જોડાશે. આમ મહેસાણા પાટણ સહિત તમામ જિલ્લાના કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં હાજરી આપશે.
17 ઓગસ્ટને શુક્રવારે સવારે 9થી12 અમાદવાદ શહેર, ખેડા, અને આણંદના આગેવાનો જોડાશે. બપોરે 12 થી 3 મહિસાગર, પંચમહાલ, દાહોદ, અને છોટાઉદેપુરના આગેવાનો કાર્યકરો જોડાશે. 3 થી 6 ભરૂચ નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગના આગેવાન કાર્યકરો જોડાશે.
18 ઓગસ્ટને શનિવારે 9 થી 12 અમાદવાદ શહેર અને સુરેન્દ્રનગરના કાર્યકર આગેવાનો આંદોલનમાં જોડાશે. બપોરે 12થી 3 કચ્છ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના કાર્યકરો જોડાશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગુજરાતમાં થયેલા 4000 કરોડના મગફળી કૌભાંડ મામલે કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. નીતિન પટેલે કહ્યુ કે મગફળી કૌભાંડનું પગેરૂ કોગ્રેસ તરફ જઈ રહ્યું છે. કોગ્રેસના અનેક નેતાઓ મગફળી કૌભાંડમાં સંડોવાયેલા છે. ત્યારે પરેશ ધાનાણી વિરોધ કરી રાજકીય નાટક કરે છે. સરકારે મગફળી કૌભાંડમાં કાર્યવાહી કરી 20થી વધારે લોકોની ધરપકડ કરી છે ત્યારે કોગ્રેસ હવે રાજકીય નાટક કરવા રોજ નવા નવા કાર્યક્રમો જાહેર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે