ગુજરાત યુનિવર્સિટીમાં બંધ થશે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા, બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીની એકડેમીક કાઉન્સિલ અને સિન્ડીકેટ બેઠકમાં ખાનગી કોલેજોને પરવાનો આપવાનો તખ્તો ગોઠાવાયો છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવામાં આવતુ હોય એમ આજે મળેલી યુનિવર્સિટીની એકડેમીક કાઉન્સિલ અને સિન્ડીકેટ બેઠકમાં ખાનગી કોલોજેને મંજૂરી આપવાનુ પ્લેટફોર્મ તૈયાર થયું છે. કુલ 31 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપવાની ચર્ચા બેઠકમાં હાથ ધરાઇ હતી. એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે જ નવી કોલેજોને મંજૂરી આપવામાં આવશે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતીમાં પણ ફેરફાર કરવાનો નિર્યણ લેવાયો. યુનિવર્સિટી 70 માર્ક્સની પરીક્ષા લેતી હોવાથી ત્રણ કલાકના પેપરનો સમય ઘટાડીને અઢી કલાક કરાયો છે. સાથે જ પ્રશ્નપત્રના માળખામાં ફેરફાર કરી પાંચને બદલે ચાર પ્રશ્નો પૂછવાનુ નક્કી કરાયુ છે. જેનુ અમલીકરણ ચાલુ શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે.
ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી ચાલતી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા રદ્દ કરવાનો નિર્ણણ પણ બેઠકમાં કરાયો છે. જે મુદ્દે કુલપતિએ કહ્યું કે, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સમજણ ના પડતી હોવાથી આવતા વર્ષથી જૂની પદ્ધતિ મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જો કોઇ કોલેજ મેરીટનું ઉલ્લંધન કરશે તો તેને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
આજની બેઠકમાં વિવાદિત પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિનો મુદ્દો પણ ચર્ચાયો હતો. પ્રદીપ પ્રજાપતિ સામે 3 વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જોકે તપાસ અહેવાલમાં પ્રોફેસર સંજય પરદેશી અને કાર્તિક ભટ્ટના ઇશારે વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હોવાનું સામે આવતાં બંને પ્રોફેસરને ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જરૂર પડે તેમનુ ઇન્ક્રીમેન્ટ અટકાવવાનો તથા આ કેસમાં પૂર્વ કલુપતિ પરિમલ ત્રિવેદી સામે પણ પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.
બેઠકમાં સમાજ વિદ્યાભવનના પ્રોફેસર વિજયા દવે દ્વારા એમફીલની વિદ્યાર્થિની પાસે ઘરકામ કરવાવાની અને પાસ કરવા માટે રૂપિયા 50 હજારની માંગ કરવાની ફરિયાદને આધારે તપાસ સમિતિના રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના અલગ અલગ કામમાં ગેરરીતિ આચરવાના કિસ્સામાં સસ્પેન્ડેડ અન્જિનિયર દર્શન સોલંકીને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે