તમારી ગાડી કે મોબાઈલ ચોરાય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે, e-FIR થી થઈ જશે કામ
Trending Photos
ગાંધીનગર :ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા નાગરિકો હવે ભૂતકાળ બનશે. ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે. FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે.
આ વિશે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વીકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશ્કેલીઓને દૂર કરવા ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે.
ઘરે બેઠા આ 16 પોલીસ સેવાઓ મેળવી શકાશે
આ સેવા વિશે માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, ઈ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે 2019 માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ 16 પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, "Police NOC" વગેરે સેવાઓ ઉપલ્બધ છે.
પોલીસ 21 દિવસમાં રિપોર્ટ મોકલશે
FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે. તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો : 7 ધારાસભ્યોએ કોંગ્રેસના પીઠમાં ભોંક્યુ ખંજર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી પક્ષનો જ ખેલ કરી નાંખ્યો
આમ e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહીં રહે અને નાગરીકોના સમયનો બચાવ થશે તથા ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, e-FIR ઓનલાઈન સેવા રાજ્યના નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.
e-FIR સેવાના ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. જ્યારે e-FIR નોંધાય ત્યારે ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડિટેક્ટ થઈ શકશે.
આ પણ વાંચો : આજે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર
e-FIR વિશે આ ખાસ ધ્યાન રાખજો
- e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
- બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
- પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
- તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.
- ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
- સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે.
- આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
- આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે