કોરોના સંક્રમણ વધ્યું, પણ વેક્સીન ક્યાં છે? લોકોને લેવી હોય તો પણ ગુજરાતના આ શહેરોમાં રસી છે જ નહિ

Coronavirus Update : વધતા કોરોનાના કેસ વચ્ચે ભાવનગરમાં રસીની અછત... 14 હેલ્થ સેન્ટર વચ્ચે માત્ર રસીના 200 ડોઝ ઉપલબ્ધ... બાળકો માટે રસીનો એક પણ ડોઝ નથી... તંત્રની તૈયારીની ખુલી પોલ... 

કોરોના સંક્રમણ વધ્યું, પણ વેક્સીન ક્યાં છે? લોકોને લેવી હોય તો પણ ગુજરાતના આ શહેરોમાં રસી છે જ નહિ

Covid Cases In Gujarat : ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. સાથે જ પ્રિકોશન ડોઝ ના લીધો હોય તો કોરોના સામે રક્ષણ માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે. વિદેશમાં કોરોનાના નવા વિરેયન્ટ BF7ના કહેર વચ્ચે રાજ્યમાં પણ ધીમી ગતિએ કેસ વધી રહ્યા છે. જેથી લોકોની ફરી એક વખત ચિંતા વધી ગઈ છે. તો કોરોના રિટર્ન થતા ફરી એકવાર રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. અને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર આપવાની સૂચના આપી છે. પરંતુ ગુજરાતના કેટલાક શહેરોમાં વેક્સીનનો ડોઝ છે જ નહિ. 

ભાવનગર પાસે માત્ર 200 ડોઝ 
ભાવનગરમાં તો રસીના પૂરતા ડોઝ જ નથી. તો પછી રસીકરણ પર કેવી રીતે ભાર આપવું..હાલની સ્થિતિ મુજબ ભાવનગરમાં માત્ર રસીના 200 ડોઝ છે જેની એક્સપાયરી ડેટ આવતી કાલની છે. હાલ સ્થિતિ એવી ઊભી થઈ છે કે ભાવનગરમાં 14 હેલ્થ સેન્ટર વચ્ચે માત્ર રસીના 200 ડોઝ જ છે. જેથી રસીકરણ અભિયાન પર ભાર કેવી રીતે આપવો તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને બાળકનો આપવની રસીનો તો એક પણ ડોઝ હાજર નથી. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકાર રસીકરણ અંગે ભાર આપવાની સલાહ આપી છે. પરંતુ રસીના પૂરતા ડોઝ ના હોવાથી તંત્રની મુશ્કેલી વધી ગઈ છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકો ફરી પ્રિકોશન ડોઝ લેવા માટે ઉમટી રહ્યા છે. પરંતુ રસી ના હોવાથી હવે હાલાકી પડી રહી છે. ત્યારે તાત્કાલિક તમામ સેન્ટર પર રસીના પૂરતા ડોઝ આપવાની તંત્ર માગ કરી રહ્યું છે.

વડોદરામાં પણ વેક્સીન નથી
તો બીજી તરફ, વિશ્વમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે ત્યારે વડોદરામાં રસીકરણ બંધ છે. વડોદરા કોર્પોરેશન પાસે પણ રસીના ડોઝ ઉપલબ્ધ નથી. 17 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને અપાતી કોરબિવેક્સ રસી એક મહિનાથી બંધ છે. વડોદરા શહેરમાં તમામ ઉંમરના લોકોનું રસીકરણ બંધ છે. લોકોને રસી લેવી હોય તો પણ હાલ મળી શકે તેમ નથી. 

કોરોનાના કેસમાં વધારો થતા હાલ ગુજરાતમા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની આ અંગે બેઠક મળશે. કોરોનાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. કોરોનાની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. હાલ ધીમી ગતીએ રાજ્યમાં કેસ વધી રહ્યાં છે. BF 7 વેરિયન્ટના કહેરથી વધી લોકોની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ ના વધે તેના માટે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. 

કોરોના મુદ્દે પીએમ મોદીની હાઈલેવલ બેઠક યોજાઈ છે. ભારતમાં કોરોનાની સંભવિત સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ છે. પ્રધાનમંત્રીએ તકેદારી રાખવા માટે કડક સૂચના આપી છે. ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ભાર આપવા સૂચન કર્યા છે. હોસ્પિટલમાં તમામ તૈયારીઓ ઊભી કરવા આદેશ આપ્યા છે. માસ્ક સહિતની ગાઈડલાઈનના પાલનની સલાહ આપીછે. પ્રિકોશન ડોઝ પર ભાર આપવા સૂચના આપી છે. 

હાલમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમદાવાદ કોર્પોરેશને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બહારથી આવતા લોકોના ટેસ્ટિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મામલે એએમસીના હેલ્થ અધિકારીએ જણાવ્યું કે દરેક અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક પહેરે તેવી અપીલ પણ કરી છે. તેમજ અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે અમદાવાદમાં હાલમાં કોરોનાના 8 કેસ એક્ટિવ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news