NDRF ની ટીમો સરકારે ફાળવી પણ વાવાઝોડામાં મદદ માટે કોઈ ન આવ્યું: અસરગ્રસ્ત ખેડૂત

તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ (gujratcyclone) તબાહી સર્જી છે

NDRF ની ટીમો સરકારે ફાળવી પણ વાવાઝોડામાં મદદ માટે કોઈ ન આવ્યું: અસરગ્રસ્ત ખેડૂત

ગૌરવ દવે/ રાજકોટ: તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ (gujratcyclone) તબાહી સર્જી છે. રાજુલા ખંભા અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેરઠેર વિનાશ સર્જાયો છે. ત્યારે જૂનાગઢ અમરેલી હાઈવે પર તૌકતે વાવાઝોડાની ભયાનક તસવીરો સામે આવી છે.

જૂનાગઢ અમરેલી હાઈવે પર લોખંડના વીજ પોલ રોડ પર વાંક વળી ગયા છે. વવાઝોડાને નજરે જોનાર લોકોએ ZEE 24 કલાકને આપવીતી વર્ણાવતા કહ્યું હતું કે, રાત્રે 170 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને કારણે ભયાવહ દ્રશ્યો લોકોએ નજરે જોયા. ખેતરોમાં કાચા મકાનો ધરાશાયી થયા અને પતરા હવામાં ઉડી રહ્યા હતા. વાવાઝોડાને કારણે ખેતરોમાં ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તલ, મગ અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે.

વાવાઝોડાની અસરને લઇ ખેડુતોએ જણાવ્યું હતું કે, NDRF ની ટીમો સરકારે ફાળવી પણ વાવાઝોડામાં મદદ માટે કોઈ જ આવ્યું નહોતું. માલ- ઢોરને પણ વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે. ખેતરમાં રહેલા ઢોરને વરસાદને કારણે ઠંડી ચડતા વાછરડીનું મોત થયું છે. અમરેલીમાં 145 રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. તંત્ર દ્વારા રોડ પર ધરાશાયી થયેલ વૃક્ષો કાપી દૂર કરવાની કાર્યવાહી કરતા અમુક રસ્તાઓ ફરીથી શરૂ થયા છે.

રાજુલામા 5 પેટ્રોલ પંપને ભારે નુકસાન
તો બીજી તરફ, રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશાયી થતા ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું છે. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલ પંપમાં પણ નુકસાન થયું છે. તો સાથે જ હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા છે. 

રાજુલાની હોટલોને પણ નુકસાન 
રાજુલા માર્કેટિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. યાર્ડના છાપરા અને વૃક્ષો તૂટી પડ્યા છે. ખેડૂતોના માલને વ્યાપક નુકસાન થયું છે. હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરના તમામ માર્ગો વૃક્ષો ધરાશાયી થવાના કારણે બંધ કરાયા છે. સમગ્ર શહેરના પીજીવીસીએલના વીજપોલ ધરાશાયી થયાની ઘટના બની છે. રાજુલાના ગોકુલનગર વિસ્તારમાં હિંડોરણા રોડ પર પાર્કિંગ કરેલી કારો પર વૃક્ષો ધરાશયી થતા તેને મોટુ નુકસાન થયું છે. 

જૂનાગઢમાં પણ વાવાઝોડાને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે. બીલખાથી અમરેલીનો રસ્તો બંધ થય છે. સવારે 6 વાગ્યાથી અમરેલી સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. નવાગામમાં પેટ્રોલ પંપ પણ ધરશાયી છે. જુનાગઢ-સાસણ રોડ પર અનેક મહાકાય વૃક્ષો પડતા રસ્તો બંધ થયો છે. અમરેલી જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news