નવસારીમાં કળિયુગી પુત્રએ યમ બની માતાને યમધામ પહોંચાડી, હત્યા બાદ માતાને સળગાવવાનો કર્યો પ્રયાસ

નવસારીના બીલીમોરા શહેરના ઓરીયા મોરીયા વિસ્તારમાં પદ્મશીલ કો. ઓ. સોસાયટીમાં 58 વર્ષીય સુમિત્રાબેન રણછોડ ટંડેલ પોતાના 31 વર્ષીય પુત્ર પ્રિયાંક રણછોડ ટંડેલ સાથે રહેતા હતા.

નવસારીમાં કળિયુગી પુત્રએ યમ બની માતાને યમધામ પહોંચાડી, હત્યા બાદ માતાને સળગાવવાનો કર્યો પ્રયાસ

ધવલ પરીખ/નવસારી: અભ્યાસમાં નિષ્ફળતા મળતાં અસ્થિર બનેલા પુત્રની માતા સાથે કોઈને કોઈ બાબતે થતા ઝઘડાએ આજે મમતાના સંબંધનો કરૂણ અંજામ આણ્યો છે. આજે સવારે માનસિક વિક્ષિપ્ત પુત્રએ માતા સાથે ઝઘડો થયા બાદ માતાના ગળે ચપ્પુ ફેરવ્યુ હતું અને બાદમાં ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ પુત્રએ માતાના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ પડોશીઓ જોઈ જતા પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી બીલીમોરા પોલીસે માતાના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ કરાવી કળિયુગી પુત્રની ધરપકડ કરી હતી.

નવસારીના બીલીમોરા શહેરના ઓરીયા મોરીયા વિસ્તારમાં પદ્મશીલ કો. ઓ. સોસાયટીમાં 58 વર્ષીય સુમિત્રાબેન રણછોડ ટંડેલ પોતાના 31 વર્ષીય પુત્ર પ્રિયાંક રણછોડ ટંડેલ સાથે રહેતા હતા. એન્જીનીયરીંગ ભણતા પુત્રને અભ્યાસમાં નિષ્ફળતા મળતાં ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. જેને કારણે તેનું માનસિક સંતુલન ગુમાવતા માતા સાથે કોઈપણ વાતે ઝઘડો કરતો હતો. પરંતુ કહેવાય છે ને માં એ માં, બીજા બધા વગડાના વા... માતા સુમિત્રાબેન માનસિક વિક્ષિપ્ત પુત્રને સાચવતા હતા અને એની દવા પણ કરાવતા હતા. સુમિત્રાબેનની પરિણીત દીકરીઓ સમયાંતરે માતા અને ભાઈની મુલાકાત લઈ, તેમનું ધ્યાન પણ રાખતી હતી. 

દરમિયાન આજે સવારે સુમિત્રાબેન અને પુત્ર પ્રિયાંક વચ્ચે કોઈક વાતે ચકમક ઝરી અને પ્રિયાંક તેની માતા સાથે મારઝૂડ કરી હતી. જેમાં આવેશમાં આવી જઈ ઘરમાં રાખેલા ચપ્પુ લઇને પ્રિયાંકે માતા સુમિત્રાના ગળે ફેરવી દીધુ હતું. આવેગ એટલો હતો કે ચપ્પુ ફેરવ્યા બાદ માતાનું ગળું દબાવી એની હત્યા નિપજાવી દીધી હતી. ત્યારબાદ માતાના મૃતદેહને ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં લાવી તેના ઉપર લાકડાના પાટિયા, પેપર અને ઘાસ નાંખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રિયાંકની કરતૂત પાડોશીઓને ધ્યાને આવતા તરત તેને અટકાવી બીલીમોરા પોલીસને જાણ કરી હતી. 

ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પીએમ અર્થે મેંગુષી હોસ્પિટલમાં ખસેડયો હતો. બીજી તરફ માતૃત્વની હત્યા કરનારા કળિયુગી પુત્ર પ્રિયાંક ટંડેલની ધરપકડ કરી તેની વિરૂદ્ધ સગી જનેતાની હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

જે પુત્રને વ્હાલથી ઉછેરી મોટો કર્યો, પણ અભ્યાસમાં નાસીપાસ થઈ મગજની સ્થિરતા ખોઈ બેઠો, જેની માનસિક વિક્ષિપ્તતાનો સ્વિકાર કરી એનું ધ્યાન રાખનારી માતાની મમતાનું માનસિક દિવ્યાંગ પુત્રએ કાસળ કાઢી એને યમધામ પહોંચાડી, એ વાત શહેરમાં ચર્ચાએ રહી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news