Nadiad: માસિક ધર્મમાં શરમને કારણે અભ્યાસ છોડી દેતી દિકરીઓ માટે નિ:શુલ્ક સેનેટરી પેડ બેંક શરૂ
ગ્રામ્ય વિસ્તારોમાં માસિક ધર્મ (Menstruation) ને લઇને 21 મી સદીમાં પણ અનેક અંધશ્રધ્ધાઓ, નિયમો, પરંપરાઓમાં દીકરીઓ પિસાતી અને પિડાતી જોવા મળે છે.
Trending Photos
નચિકેત મહેતા, નડીયાદ: ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની સાથે સાથે તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા માસિક ધર્મ (Menstruation) માં અનુભવાતી મુશ્કેલીઓ અને શરમને કારણે અભ્યાસ છોડી દેતી કે શાળામાં ન આવતી દીકરીઓને ફરીથી ભણતી કરવા માટે એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
તેઓએ શાળામાં જ ગામની દરેક દીકરીઓ માટે નિ:શુલ્ક સેનેટરી પેડ બેંક શરૂ કરી છે. આ પેડ બેંકમાંથી ગામની દરેક દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ (Sanitary pad) આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓનો અભ્યાસની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે વાલ્લા સ્કુલના શિક્ષક દ્વારા સતત સ્વખર્ચે અનેક બાળવિકાસના કામો કરવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં માસિક ધર્મ (Menstruation) ને લઇને 21 મી સદીમાં પણ અનેક અંધશ્રધ્ધાઓ, નિયમો, પરંપરાઓમાં દીકરીઓ પિસાતી અને પિડાતી જોવા મળે છે. દીકરીઓના મગજમાં પહેલાંથી જ માસિક ધર્મને લઇને એક હાઉ ઉભો કરી દેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજણ આપવાની જગ્યાએ તેને ગભરાવી દેવામાં આવે છે.
હાર્મોન્સમાં સતત થતાં બદલાવને કારણે આ સમયમાં દીકરીઓ શારિરીક અને માનસિક રીતે અસ્વસ્થ હોય છે, આવા સમયે તેમને યોગ્ય સમજણ આપી સ્વસ્થ રાખવાની જગ્યાએ તેમને ખોટી માન્યતાઓ અને પરંપરાઓની બેડીઓમાં જકડાવી દેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલીય દીકરીઓ માસિક ધર્મ (Menstruation) માં બેસતી થાય કે તરત જ માતા-પિતા અભ્યાસ છોડાવીને તેના લગ્નની તૈયારીઓ શરૂ કરવા લાગે છે. હોંશિયાર અને તેજસ્વી દીકરીઓને પણ માસિક ધર્મના નામે અભ્યાસ છોડાવી દેવામાં આવે છે.
આવી જ સ્થિતીનો અનુભવ નડિયાદ તાલુકાના વાલ્લા ગામની શાળામાં પણ ઉભી થઇ હતી. દીકરીઓ અભ્યાસ છોડવાનું કહેતી હતી. આ બાબતે શાળાના શિક્ષક હિતેશભાઇ બ્રહ્મભટ્ટે જ્યારે અભ્યાસ છોડવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેઓ જવાબ સાંભળીને ચોંકી ઉઠ્યા. - જવાબ હતો કે દીકરી હવે માસિક ધર્મમાં બેસવા લાગી છે.
૨૧ મી સદીમાં દીકરીઓ માસિક ધર્મ (Menstruation) માં બેસે એટલે અભ્યાસ છોડાવવાની વાતે હિતેશભાઇને વિચારતા કરી મૂક્યા અને તેઓએ આ કુપ્રથાને બંધ કરાવવા માટેની એક પહેલ કરી. હમેશા નવા વિચારો સાથે બાળકોને અભ્યાસમાં ઋચિ ઉભી થાય અને બાળક ભણવાની સાથે તેનું ઘડતર પણ કરી શકે તેવા પ્રયાસ કરતાં હિતેશભાઇ દ્વારા માસિક ધર્મમાં થતી દીકરીઓને અને તેમના પરિવારજનોને સમજાવવામાં આવ્યા.
દીકરીઓને અને તેમના પરિવારને માસિક ધર્મ (Menstruation) ની સાચી સમજણ આપવાની સાથે સાથે શું તકેદારી રાખવી તેની પણ સમજણ આપવામાં આવી. કોટનના કપડાં વાપરવાની જગ્યાએ, સેનેટરી પેડનો ઉપયોગ કરવાનું કહ્યું અને તેના ફાયદા સમજાવ્યા. જોકે, ગરીબ પરિવારોને સેનેટરી પેડ (Sanitary pad) ના ખર્ચા પોસાય તેમ ન હોવાથી હિતેશભાઇએ દીકરીઓની આ સમસ્યાનો પણ ઉકેલ શોધી કાઢ્યો અને સ્વખર્ચે સેનેટરી પેડની બેંક શરૂ કરી. શાળામાં શરૂ કરવામાં આવેલી આ બેંકમાંથી શાળા ઉપરાંત ગામની દીકરીઓને નિ:શુલ્ક પેડ આપવામાં આવે છે. દીકરીઓને સાચી સમજણ મળ્યા બાદ અને દીકરીઓએ પુન: અભ્યાસ શરૂ કર્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં દીકરી માસિક ધર્મ (Menstruation) માં બેસતી થાય એટલે તેના પર અનેક પાબંદીઓ મૂકવામાં આવે છે. ઋતુચક્ર શું છે તેની સાચી સમજણનો અભાવ હોવાથી હિતેશભાઇ દ્વારા એક ખાસ કાર્યક્રમ યોજી શાળાની, ગામની દીકરીઓ અને તેમની માતાઓને ઋતુચક્ર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તબીબ દ્વારા સ્લાઇડ શોની મદદથી દીકરીઓને અને માતાઓને ઋતુચક્રની સમજણ આપવામાં આવી હતી અને શરીરમાં થતાં બદલાવોની પણ માહિતી આપવામાં આવી હતી. દીકરીઓ અને માતાઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. હાલમાં વાલ્લા ગામ ઉપરાંત અન્ય ગામની દીકરીઓ પણ પેડ બેંકમાંથી નિ:શુલ્ક પેડ મેળવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે