ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા

Unjha Umiya Mata : મહેસાણાના ઊંઝામાં નીકળી મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા.. દર વર્ષે વૈશાખી પુનમે નીકળે છે ભવ્ય નગરયાત્રા... મા ઉમિયાના રથના દર્શન કરનારનુ આખુ વર્ષ સારું જાય છે 
 

ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા

Mehsana News તેજસ દવે/મહેસાણા : મેહસાણાના ઊંઝામાં કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાની નગરની યાત્રા એટલે કે નગરચર્યા રંગે ચંગે નીકળી હતી. જેમાં હાથી, ઘોડા, બગીઓ સહિ‌ત મોટી સંખ્યામાં કડવા પાટીદાર સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. આ નગરચર્યા સમગ્ર ઊંઝા શહેરમાં ફરી હતી. 

ઊંઝામાં આવેલા વિશ્વભરના કડવા પાટીદારો સમાજના કુળદેવી મા ઉમિયાના મંદિરેથી દર વર્ષે વૈશાખ સુદ પુનમે એટલે આજે માતાજીની ભવ્ય નગરયાત્રા ભારે રંગે ચંગે કાઢવામાં આવી હતી. જે મુજબ આજે માતાની નગરયાત્રા નીકળી હતી. આ માટે ઊંઝાવાસીઓએ ઠેરઠેર માતાજીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી હતી. ભવ્ય ચાંદીના રથમાં બિરાજેલાં માતાજીની સવારી સવારે 8.15 નિજ મંદિરેથી નીકળી હતી. જેમાં 165 થી વધુ વિશેષ ઝાખીઓ જોવા મળી. હાથી, ઘોડા, બગીઓ, સ્કૂટર સવાર, બેન્ડબાજા, ધ્વજપતાકા, રાસમંડળી, ખડકવાડી, ભજન મંડળીઓ સહિ‌ત મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. 

ઉમિયા ધામના પ્રમુખ બાબુ જમના પટેલે જણાવ્યું કે, આ નગર યાત્રાનું અનેરું મહત્વ પાટીદાર સમાજમાં છે અને દર વર્ષે આ પ્રણાલી ઉંઝા ઉમિયા માતા મંદિર દ્વારા કરવામાં આવે છે. આ દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા પાટીદાર સમાજના લોકો ઉંઝા ખાતે આવીને માં ઉમિયાના દર્શન કરીને ધન્ય બને છે. 

મેહસાણાના ઊઝા માં ઉમિયા માતા સંસ્થાન દ્વારા માતાજીના રથ તેમજ ભાવિકોને વહેંચવા માટે ૨પ૦૦ કિલો પ્રસાદ બનાવવા સહિ‌તની તૈયારીઓ કરી હતી. જેમાં નગરજનો ઘરના દ્વારે આસોપાલવના તોરણ બાંધીને આજે ઉજવણી કરે છે. માં ઉમિયા ખુદ આજે ઉંઝાના રહીસોને દર્શન આપવા નીકળતા હોઈ પાટીદાર સમાજ સહિત સભ્ય તમામ સમાજો માં ઉમિયાના દર્શન આજે કરીને ધન્ય બને છે. જ્યારે આજે ઊંઝાનો તમામ વિસ્તાર આજે બંધ રહે છે.

આ યાત્રામાં બેટી બચાવો, વૃક્ષ બચાવો અને સ્વચ્છતા અભિયાનના ટેબ્લોનું મંદિર પરિસર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર સિવાય લાખો રૂપિયાનો પ્રસાદ વેપારી મંડળ દ્વારા બનાવામાં આવે છે. મંદિરેથી નીકળેલી યાત્રા લાલ દરવાજા, બહારમાઢ, ખજુરીપોળ, ચબુતરા, કોટકૂવા, છીંપાવાડ, વાડીપરૂ, રામબાગ, ગોલ્ડન ચોકડી, બાળોજ માતા થઈને ગંજબજારમાં ભવ્ય સ્વાગત બાદ ફરીને યાત્રા એમઆરએસ હાઈસ્કૂલ, ગાંધીચોક, આઝાદચોક, લુહાર ચકલા, ધૈણાત ચકલા, ગુરુ મહારાજ, ખારાકૂવા થઈને નીજ મંદિરે પરત ફરી હતી. 

દર વર્ષે આ યાત્રાને લઈને અનેરું મહત્વ છે અને મા ઉમિયા ચાંદીના રથ પર સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. જે દ્રશ્ય જોઈ સમગ્ર ઊંઝા શહેરમા માં ઉમિયાના નાદથી ગુંજી ઉઠે છે. જ્યારે એક માન્યતા એવી પણ છે કે માં ઉમિયા દર્શને આવે ત્યારે જે ભક્ત રથના દર્શન કરે છે, તેનું વર્ષ ખુબ સારું જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news