મહેસાણા : 2 લાખ લઈને ભાગેલી લૂંટેરી દુલ્હને કહ્યું, મને તો માત્ર 40 હજાર જ મળ્યા છે

Mehsana News : મહેસાણાના એક પરિવારને વચેટિયા સહિત નવપરિણીત પુત્રવધૂએ લગાવ્યો ચૂનો... લૂંટેરી દુલ્હનને પૈસા મળતા જ ગણતરીના દિવસોમાં થઈ ગઈ પલાયન... પોલીસ મથકે અરજી કરી છતાં કોઈ કાર્યવાહી નહિ... પિતા લકવાગ્રસ્ત, માતા પુત્ર પરેશાન... લગ્ન નહી થતા હોવાથી પૈસા ખર્ચી લાવ્યા હતા પત્ની

મહેસાણા : 2 લાખ લઈને ભાગેલી લૂંટેરી દુલ્હને કહ્યું, મને તો માત્ર 40 હજાર જ મળ્યા છે

તેજસ દવે/મહેસાણા :મહેસાણામાં એક પરિવારને રૂપિયા ખર્ચીને પુત્રવધૂ લાવવી મોંઘી પડી છે. એક તો દીકરાને પરણાવવા યુવતી મળતી ન હતી, અને જ્યારે લાખો રૂપિયા ખર્ચીને યુવતી લાવી દીકરાને પરણાવ્યો તો ગણતરીના દિવસોમાં આ યુવતી રૂપિયા લઈને પલાયન થઈ ગઈ. એટલે કે ગુજરાતમા વધુ એક લુંટેરી દુલ્હને પરિવારને ચૂનો લગાવ્યો. 

દીકરા-દીકરીને પરણાવવાનો દરેક માતા-પિતાને હરખ હોય છે. પરંતુ હાલના સમયમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે ઘણા યુવકોની લગ્નની ઉંમર થઈ હોવા છતાં કુંવારા બેસવું પડે છે. અને છેવટે અન્ય રાજ્યોમાંથી રૂપિયા આપીને યુવતી મળી જાય તો ત્યાંથી લાવી દેતા હોય છે. અને છેવટે આવી લેભાગી યુવતીઓ લુંટેરી દુલ્હન બની આવા જરૂરિયાતમંદ પરિવારોને ઠગીને પલાયન થઈ જાય છે. ગુજરાતમાં આ પ્રકારના ક્રાઈમ હવે સામાન્ય બની ગયા છે. આવો જ કિસ્સો મહેસાણામાં બન્યો છે. 

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં સન સિટી રો હાઉસમાં રહેતા હિંગુ રૂપાબેન પ્રકાશભાઈના પતિ 7 વર્ષથી લકવાગ્રસ્ત છે. જેમને બે પુત્ર પ્રભાત અને જેનીલ છે. દીકરા પ્રભાતનું સમાજમાં સગપણ થતુ ન હતુ. તેથી મહેસાણાના ગોકળ ગઢના ચૌધરી દેવજીભાઈ અને ચૌધરી ઈશ્વરભાઈને તેઓ મળ્યા હતા. જેઓએ રૂપિયા બે લાખમાં ભરૂચથી કન્યા લાવી આપવાની વાત કરી હતી. અંતે રૂ.1.70 લાખ રૂપિયામાં સોદો નક્કી થતા આ બંને સાથે રૂપાબેન અને તેમનો દીકરો ભરૂચના કાછિયા (માંડવા) ગામે ગયા હતા. જ્યાં અનીતબેન કાંતીલાલ વસાવા નામની યુવતી બતાવાઈ હતી. યુવક અને યુવતી લગ્ન માટે સહમત થતા પરિવાર ગત 1 સપ્ટેમ્બર, 2021 ના રોજ ભરૂચ હોટલમાં રોકાયા હતા. ત્યારે ચૌધરી ઈશ્વરભાઈના હાથમાં રૂપિયા 1.15 લાખ આપીને લગ્ન નક્કી કરાયા હતા. આ ઘટનાને વીડિયોમાં કેદ કરાઈ હતી. ત્યાંથી યુવતીને લઈને પરિવાર પરત મહેસાણા આવ્યો હતો. જ્યાં બીજા દિવસે વાત થયા મુજબ, દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરીને રૂપિયા 46000 આપવામાં આવ્યા હતા. યુવતી લાવ્યાના 10 જ દિવસમાં યુવતી અનિતાએ બહાનું કાઢ્યું કે, તેને માનતા પૂરી કરવાની છે. અને માનતા કરવા ગયેલી અનિતા પરત જ ના આવી. 

યુવક પ્રભાતની માતા રૂપાબેને કહ્યુ કે, યુવતી પરત ન ફરતા યુવતી લાવી આપનાર ગોકળ ગઢના ચૌધરી દેવજીભાઈ અને ચૌધરી ઈશ્વરભાઈનો અમે સંપર્ક કર્યો હતો. તે બંનેએ ઉશ્કેરાઈ જઈ મને અને મારા દીકરાને મારવાની ધમકી આપી હતી. આ અંગે અમે લેખિત અરજી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે કરી હતી. પરંતુ ગત 7 ફેબ્રુઆરી, 2022 ની કરેલ અરજીનો હજુ સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નહી કરતા આ પરિવાર પરેશાન થઈ ગયું છે. 

આમ, રૂપિયા ખર્ચીને દીકરાને પરણાવવાના અરમાનો પર આ પરિવારના સપના પર પાણી ફરી વળ્યુ છે. રૂપાબેન દ્વારા આ યુવતીનો સંપર્ક કરતા એ કહે છે તેને તો માત્ર રૂપિયા 40 હજાર જ મળ્યા છે અને તે પણ પરત આપવા તૈયાર થતા વચેટના દેવજી અને ઈશ્વર ચૌધરીનો સંપર્ક કરતા 10,000 કાપી 30,000 પાછા આપ્યા. જો કે, બાકીની રકમ પણ આ આ વચેટિયા ચાઉં કરી ગયા છે. અને લકવાગ્રસ્ત પતિ અને બે કુંવારા દીકરાને કારણે માતા રૂપાબેન હવે ન્યાય માટે આજીજી કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે પોલીસ તાત્કાલિક તેમની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news