ઉત્તરાખંડ ગ્લેશિયર તબાહી : મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા રાજકોટના પ્રવાસીઓ સંપર્ક વિહોણા

ઉત્તરાખંડ ગ્લેશિયર તબાહી : મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા રાજકોટના પ્રવાસીઓ સંપર્ક વિહોણા
  • રાજકોટના 50 થી વધુ પ્રવાસીઓ હરિદ્વારમાં છે. આ તમામ પ્રવાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું
  • રાજકોટના તંત્ર દ્વારા હરિદ્વાર ગયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ સાવચેત રહેવા સૂચના અપાઈ
  • હરિદ્વારમાં રહેતા ગુજરાતી સમાજમાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને ક્યાંય બહાર ન જવા અને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ :ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી તબાહી મચી છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. તો પાણી તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આસપાસના વિસ્તારોમાં પૂરનું પાણી ફેલાવાની આશંકા છે. જેથી આસપાસના વિસ્તારમાં લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 150 થી વધુ લોકો હાલ મિસિંગ છે. ત્યારે હાલ રાજકોટના 50 થી વધુ પ્રવાસીઓ હરિદ્વારમાં છે, જેઓ સલામત છે. પરંતુ મૈસૂરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા કેટલાક પ્રવાસીઓનો કોઈ સંપર્ક થયો નથી. 

મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા પ્રવાસીઓ સંપર્ક વિહોણા
હાલ આઈટીબીપી, NDRF અને SDRG ની અનેક ટીમો ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કામમાં લાગી ગઈ છે. હાલ શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગયા છે. પરંતુ ઉત્તરાખંડમાં ડેમ તૂટવાના મામલામાં ગુજરાતીઓ પણ ચિંતામાં મૂકાયા છે. કારણ કે, આ સીઝનમાં અનેક ગુજરાતીઓ હરિદ્વાર ફરવા જતા હોય છે. ત્યારે હાલ રાજકોટના 50 થી વધુ પ્રવાસીઓ હરિદ્વારમાં છે. આ તમામ પ્રવાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ક્રિષ્ણા ગોયલ બે દિવસ પહેલા રાજકોટથી હરિદ્વાર ગયા છે. તેઓ પણ હાલ સુરક્ષિત છે. ઝી 24 કલાકે તેમની સાથે ફોન પર વાત કરી હતી. જેઓ હાલ સુરક્ષિત છે તેવુ તેમણે જણાવ્યું.પરંતુ મૈસુરી ટ્રેકિંગમાં ગયેલા પ્રવાસીઓનો હજી સુધી કોઈ સંપર્ક થયો નથી. 

રાજકોટ તંત્રએ હરિદ્વારના ગુજરાતી સમાજમાં સંપર્ક કર્યો 
તો સાથે જ રાજકોટના તંત્ર દ્વારા હરિદ્વાર ગયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ સાવચેત રહેવા સૂચના આપી છે. રાજકોટના ડીપીઓ પ્રિયાંક સિંઘ હાલ હરિદ્વારમાં સંપર્કમાં છે. હરિદ્વારમાં રહેતા ગુજરાતી સમાજમાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને ક્યાંય બહાર ન જવા અને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું છે. સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. 

આ પણ વાંચો : કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું 

મુખ્યમંત્રીએ તત્કાલ મદદ માટે સૂચના આપી 
તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત  તેમજ ઇજાગ્રસ્તોને સારવારમાં સહાયરૂપ થવા વિનંતી કરી છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news