નવરાત્રિ વેકેશનથી રાજ્યના એક શહેરમાં લાગી વિવાદની આગ, લેવાયો મોટો નિર્ણય

કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડો. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.

નવરાત્રિ વેકેશનથી રાજ્યના એક શહેરમાં લાગી વિવાદની આગ, લેવાયો મોટો નિર્ણય

અમદાવાદ : સરકાર તરફથી રાજ્યમાં નવરાત્રિ દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનનો વિરોધ થવાની શરૂઆત થઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટની આશરે 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવીને આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ખાનગી સંચાલકોએ નિર્ણય લીધો છે કે સરકાર આ વેકેશન કેન્સલ નહીં કરે તો ખાનગી સ્કૂલો રાબેતા મુજબ જ શિક્ષણકાર્ય ચલાવશે.

નોંધનીય છે કે શાળાઓમાં નવરાત્રિ દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે તેમને કોઈ જાણ નથી. જ્યારે મુખ્યમંત્રી પહેલા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડો. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે. 

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે.  જેમાં પ્રથમ સત્રમાં 95 તેમજ દ્વિતીય સત્રમાં 102 દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે. કોલેજોમાં પ્રથમ વાર 7 દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેમજ 49 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક સત્ર-2018થી અમલમાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news