જીજાજીએ સાળા માટે બનાવ્યો LRD નો બોગસ કોલ લેટર, ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી ખૂલી પોલ

રાજ્યમાં ચાલી રહેલ સરકારી ભરતીઓ (government jobs) માં એક પછી એક કૌભાંડો (scam) અને ગેરરીતિઓ સામે આવી રહી છે. આવામાં એલઆરડી પરીક્ષામાં બોગસ કોલ લેટર (bogus call letter) અને બનાવટી ઉમેદવારનો પંચમહાલથી પર્દાફાશ થયો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરેલા બોગસ કોલ લેટરનો શુ છે મામલો જોઈએ. 
જીજાજીએ સાળા માટે બનાવ્યો LRD નો બોગસ કોલ લેટર, ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી ખૂલી પોલ

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :રાજ્યમાં ચાલી રહેલ સરકારી ભરતીઓ (government jobs) માં એક પછી એક કૌભાંડો (scam) અને ગેરરીતિઓ સામે આવી રહી છે. આવામાં એલઆરડી પરીક્ષામાં બોગસ કોલ લેટર (bogus call letter) અને બનાવટી ઉમેદવારનો પંચમહાલથી પર્દાફાશ થયો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરેલા બોગસ કોલ લેટરનો શુ છે મામલો જોઈએ. 

રાજ્યમાં ચાલી રહેલ એલ.આર.ડી પોલીસ ભરતી (LRD) માં હજારો યુવક યુવતીઓ કસોટીમાં ખરા ઉતારવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે અને પોલીસ ભરતી બોર્ડ પણ આ પરીક્ષા પ્રક્રિયાને પારદર્શક બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આવામાં પંચમહાલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલ શારીરિક કસોટી અને માપની પ્રક્રિયામાં એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો. બોગસ ઉમેદવારની પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી.

આ પણ વાંચો : ઠાકોર પરિવાર કાળમુખી અકસ્માતનો કોળિયો બન્યો, માતાજીના મંદિરે જતા 3 ના મોત

પોલીસ ભરતી માટે ખોટા કોલ લેટર બનાવવા અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ
ગત 7 જાન્યુઆરીના રોજ સામાન્ય ઉમેદવારોની જેમ જ ધોળકાનો યુવાન સંદીપકુમાર જયચંદ ઠાકોર ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પોલીસ ભરતીમાં ભાગ લેવા આવ્યો હતો. તે ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા પોતાના કોલ લેટર સાથે લાઇનમાં ઉભો હતો. સ્થળ પરના અધિકારી તમામ ઉમેદવારોને કોલ લેટર ચેક કરી ગ્રાઉન્ડમાં પ્રવેશ આપી રહ્યા હતાં. દરમ્યાન સંદીપ ઠાકોરનો પણ નંબર આવ્યો. સ્થળ પરના અધિકારીએ સંદીપ ઠાકોરનો કોલ લેટર જોતા જ શંકા ઉપજી હતી. જે અંગે વધુ તપાસ માટે ઉપરી અધિકારીને જાણ કરતા તેમને પણ સ્થળ પર આવી કોલ લેટર ચેક કર્યો હતો. જેનો કન્ફર્મેશન નંબર અને બેઠક નંબર ઓનલાઇન ચેક કરતા કોલ લેટર બોગસ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

બોગસ ઉમેદવારની પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, ખેડા જિલ્લાના પણસોલી ખાતે રહેતા રિતેશ ચૌહાણે ધોળકા ખાતે રહેતા પોતાના સાળા સંદીપ ઠાકોર માટે ખોટો કોલ લેટર બનાવ્યો હતો. ખેડાના જ ભગાપુરા સારસા ગામના એલઆરડી પરીક્ષાના ઉમેદવાર રોહિત વિનુભાઈ પરમારના કોલલેટરનો કન્ફર્મેશન નંબર 92140519 હતો અને બેઠક નંબર 20206013 હતો, તે કોલ લેટર આરોપી રિતેશ ચૌહાણે યેનકેન પ્રકારે મેળવી લીધો હતો. તેના પર પોતાના સાળા સંદીપનું નામ લખી બેઠક નંબર સુધારી 20201360 કરીને ખોટો કોલ લેટર બનાવ્યો હતો અને સંદીપને ગોધરા ખાતે ભરતી માટે મોકલી આપ્યો હતો. આરોપી રિતેશ બોગસ ઉમેદવાર સંદીપનો બનેવી થતો હોઈ વિશ્વાસથી કોલ લેટર સાથે સંદીપ ગોધરા ખાતે ભરતીમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યો હતો. જ્યાં સ્થળ અધિકારીની સતર્કતા અને પોલીસ ભરતી બોર્ડની પારદર્શકતાને કારણે બોગસ કોલ લેટર સાથે સંદીપ ઝડપાઈ ગયો હતો.

સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી આ માહિતી આપી હતી. હાલ તો આ સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ઇપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨ મુજબ ગુનો નોંધી આરોપી બનેવી રોશન ચૌહાણની ધરપકડ કરાઈ છે. અન્ય ઉમેદવારોના પણ બોગસ કોલ લેટર બનાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news