લોકસભા ચૂંટણી 2019: 1989થી ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠકનું ચિત્ર

ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય અને સૌથી વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, આ અગાઉ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા 

લોકસભા ચૂંટણી 2019: 1989થી ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠકનું ચિત્ર

કિંજલ મિશ્રા/અમદાવાદ: ગુજરાત રાજ્યની રાજધાની એવું ગાંધીનગર શહેર રાજ્ય અને દેશના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. ગાંધીનગરની લોકસભા બેઠક ગુજરાતના રાજકારણમાં ભાજપ શાસિત બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપનો 1989થી દબદબો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય અને સૌથી વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, આ અગાઉ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 

જોકે 1967 થી 1984 સુધી આ બેઠક કોંગ્રેસ હસ્તગત રહી છે. રાજકીય દ્રષ્ટિએ આ બેઠકનું મહત્વ એ રીતે ગણી શકાય કે, અહીં ભાજપમાંથી હમેશાં દિગ્ગજોએ જ ચૂટંણી લડી છે. તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસ બંને સામે બાંયો ચઢાવીને NCPમાં ભળેલા નેતા એવા શંકરસિંહ વાધેલા પણ વર્ષ 1989માં ભાજપ તરફથી આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. 1996માં સ્વર્ગીય અટલ બિહારી બાજપેયી પણ આ બેઠક  જીત મેળવી ચૂકયા છે.

ગાંધીનગર લોકસભા બેઠકમાં ચૂંટણી પંચની માહિતી અનુસાર કુલ 15,55,709 મતદાર છે,  જેમાંથી 7,99,664 પુરુષ અને 7,56,045 મહિલા મતદાર છે. ચૂંટણી પંચની યાદીમાં ગાંધીનીગરની લોકસભા બેઠકનો ક્રમ ગુજરાતની કુલ 26 બેઠકમાં છઠ્ઠો છે. આ લોકસભા બેઠક પર સૌથી વધુ પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાં અક્ષરધામ, સરખેજના રોજા, મહાત્મા મંદિર, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ સિટી) સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાતી 'ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ'ને કારણે હવે ગાંધીનગર શહેર આંતરરાષ્ટ્રીય નકશા પર પણ ચમકી ચૂક્યું છે. અહીંનું અર્થતંત્ર જીઆઈડીસીમાં સ્થપાયેલા ભારે ઉદ્યોગોથી ધમધમે છે. 

2009 સીમાંકન બાદ વધ્યો વિસ્તાર
2009માં સીમાંકન બાદ ગાંઘીનગર લોકસભા બેઠક ભોગૌલીક દૃષ્ટિએ સૌથી મોટી લોકસભા બની છે. આ લોકસભા બેઠકમાં રાજ્ય વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. 

આડવાણીએ વાપરી 25 કરોડથી વધુની ગ્રાન્ટ 
સાંસદોને તેમના મતવિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો માટે મળતી ગ્રાન્ટનો લાલકૃષ્ણ આડવાણીએ મહત્તમ ઉપયોગ કર્યો છે. તેમણે છેલ્લા 5 વર્ષમાં રૂ.25 કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. તેમણે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ તેમના લોકસભા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, બગીચા અને તેને લગતા વિકાસ કાર્યો, મેડિકલ સર્વિસીસ, શિક્ષણ, પીવાના પાણી, સ્વચ્છ ભારત યોજના, સ્ટ્રીટ લાઇટ, સ્પોર્ટસ અને લાયબ્રેરી, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના રોડ અને અન્ય કામોમાં કરવામાં આવ્યો છે. 

જોકે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હોય કે સ્ટાર્ટઅપ ઇન્ડીયા કે પછી અન્ય યોજનાઓનો લાભ આ લોકસભાના વિસ્તારને ઓછો મળ્યો છે. જેના મુખ્ય બે કારણ છે. પ્રથમ એલ. કે. આડવાણીની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ગુજરાતનો સતત પ્રવાસ કરી શકતા નથી. બીજું તેમના કાર્યાલય તરફથી સામાન્ય જનતાને જોઇએ એવો પ્રતિસાદ મળતો નથી. જોકે, પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખવા માટે આ બેઠક પર લાલકૃષ્ણ આડવાણીને જ રિપીટ કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news