લોકસભા ચૂંટણી 2019: અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ રીપિટ થશે કે નહીં?

આગામી લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર સૌનું ધ્યાન રહેશે, કેમ કે અહીં જાણીતા અભિનેતા પરેશ રાવલ સાંસદ છે અને હવે તેમને ચૂંટણી લડવાની ઈચ્છા ન હોય તેવી માહિતી આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળી છે 

લોકસભા ચૂંટણી 2019: અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ રીપિટ થશે કે નહીં?

કિંજલ મિશ્રા/ અમદાવાદઃ અમદાવાદ શહેરમાં હાલ લોકસભાની બે બેઠક છે, પૂર્વ અને પશ્ચિમ. અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ વર્તમાન સાંસદ છે. આ બેઠક પર ચહેરો બદલાવો જોઇએ એવું અનેક સ્થાનિકો તથા ભાજપના હોદ્દેદારો માને છે. પૂર્વ સાસંદ હરિન પાઠક પણ આ અંગે અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ખુદ પરેશ રાવલ પણ આ બેઠક પર ફરીથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા નથી. જોકે આ કેન્દ્રીય નેતૃત્વ ફરી એક વાર પરેશ રાવલ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.

અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહી કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે. વિવિઘતામાં એકતાનું ઉદાહરણ છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર. 

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને આર્થિક રાજધાની છે. અમદાવાદમાં શરૂઆતમાં ફક્ત એક જ લોકસભા બેઠક હતી. જેને ભૌગોલિક પરિસ્થિતિના આધારે બે ભાગમાં વહેંચવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ. અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. 

ચૂંટણી પંચમાં લોકસભા બેઠક નંબર-7થી અમદાવાદ પૂર્વ બેઠકનું રજીસ્ટ્રેશન થયેલું છે. આ બેઠક પર કુલ 15,11,761 મતદાતા છે. જેમાંથી 7,45,345 પુરૂષ અને 6,67,416 મહિલા મતદાતા છે. જો કે આ બેઠકની કુલ વસ્તી 62,70,156 છે. જે રાજ્યની સૌથી વધુ વસ્તી ધરાવતી લોકસભા બેઠક છે. ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, હીરા ઉદ્યોગ અને ગુહ ઉદ્યોગનું આ વિસ્તારમાં પ્રભુત્વ છે. 

અમદાવાદ પૂર્વ બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારઃ  
વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. 

બેઠક પર બદલાતું પ્રભુત્વઃ
અમદાવાદ પૂર્વની બેઠક પર શરૂઆતમાં 1951 થી 1956 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. આ બેઠક સાથે ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ પણ અચૂક લેવાય છે. અહીં ઈન્દુચાચાના હુલામણા નામથી પ્રખ્યાત એવા ઇન્દુલાલ યાજ્ઞિકનો આ બેઠક પર દબદબો રહ્યો હતો. 1957 થી 1971 દરમ્યાન ઇન્દુલાલ યાજ્ઞિકે બે રાજકીય પક્ષ બદલ્યા, પરંતુ જનતા કોઈ પક્ષ સાથે નહીં પણ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે રહી. 1977માં ફરી એક વાર કોંગ્રેસને આ બેઠક પર પંજો લહેરાવવામાં સફળતા મળી અને અહેસાન જાફરી આ બેઠકના સાંસદ બન્યા. જેમનું વર્ષ 2002માં નરોડા પાટીયા કોમી રમખાણમાં મૃત્યુ થયું હતું. 

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપનો ઉદયઃ 
આ બેઠક પર 1989થી ભાજપનો ઉદય થયો. 1989થી આ બેઠક પર હરીન પાઠક ભાજપમાંથી ચૂંટણી લડતા અને જીતતા આવ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠક પર સાંસદના ઉમેદવારની પસંદગીમાં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા રહી હતી. રાજ્યમાં અનેક બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવ્યા, જેમાં અમદાવાદ પૂર્વની બેઠક પર જાણીતા અભિનેતા પરેશ રાવલ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ બેઠકના સાંસદ હરીન પાઠક તથા તેમના સમર્થકો દ્વારા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરાયો હતો. 

હરીન પાઠકે દિલ્હી દરબાર સુધી પોતાની નારાજંગી વ્યક્ત કરી હતી. ખુદ એલ.કે.અડવાણીએ આ નિર્ણય બદલવા સૂચન કર્યું હતું. જોકે અંતિમ મહોર રાષ્ટ્રીય નેતૃત્વએ નરેન્દ્ર મોદીએ પસંદ કરેલા ચેહરા એટલે કે અભિનેતા કમ નેતા પરેશ રાવલ પર લગાવી. આ અગાઉ પરેશ રાવલ માત્ર ભાજપના સ્ટાર પ્રચારક હતા. 

રિપોર્ટ કાર્ડઃ 
છેલ્લા 5 વર્ષમાં પરેશ રાવલ પર આયાતી ઉમેદવાર તરીકે અનેકવાર આક્ષેપ થયા છે.  કેટલીક વખત અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં સાંસદ મિસિંગના પોસ્ટર પણ લાગ્યા હતા. મતવિસ્તારમાં ગેરહાજર રહેનાર પરેશ રાવલની લોકસભામાં સતત હાજરી જોવા મળી છે. છેલ્લા 5વર્ષમાં પરેશ રાવલે જુદા-જુદા કાર્યક્રમોમાં 78 વખત અમદાવાદની મુલાકાત લીધી છે. 

ગ્રાન્ટનો ઉપયોગ
પરેશ રાવલની 1.50 કરોડથી વધુની ગ્રાન્ટ તેમના દત્તક ગામ સહિત 7 વિધાનસભા તથા અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો માટે વાપરવામાં આવી છે.  પરેશ રાવલે પોતાની ગ્રાન્ટનો સૌથી મહત્તમ ઉપયોગ પ્રાથમિક શાળાઓ આંગણવાડી નિર્માણ પાછળ કર્યો છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટ, શિક્ષણ સંકુલ પાછળ પણ તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરાયો છે. સાથે જ તેમણે મહિલાઓના ગૃહ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પૂરેપૂરો મળે એ માટેની વ્યવસ્થા પણ ઉભી કરી છે. જોકે એક સમયે અમદાવાદની રોનક મનાતું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આજે  બિસ્માર હાલતમાં છે. દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવતી ભાજપ સરકારને હજુ સુધી આ સ્ટેડિયમનો વિકાસ કરવાનું સુઝ્યું નથી. 

પરેશ રાવલને ટિકિટ મળશે કે નહીં?
આ બેઠક પર ચહેરો બદલાવો જોઇએ એવી અનેક સ્થાનિકો તથા ભાજપના હોદ્દેદારો માને છે. સાંસદ મિસિંગ એવા પોસ્ટર પણ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અવાર-નવાર લાગતા રહે છે. પૂર્વ સાસંદ હરિન પાઠક પણ આ અંગે અવાર-નવાર રજૂઆત કરી ચૂક્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ખુદ પરેશ રાવલ પણ આ બેઠક પર ફરીથી લડવા ઇચ્છતા નથી. 

જોકે, તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા એવા બે રાજ્ય મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હાર અને રાજસ્થાનમાં પણ સત્તા ગુમાવાના કારણે વર્તમાનમાં ભાજપ વિરોધી લહેર દેશમાં જોવા મળી રહી છે. વળી, આ અગાઉ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને બહુમત સુધી પહોંચવામાં આંખે પાણી આવી ગયા હતા. એટલે, લોકસભામાં વધુ ને વધુ બેઠકો કબ્જે કરવા માટે પરેશ રાવલના સેલિબ્રિટી સ્ટેટસનો ફાયદો લેવા માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ફરીથી તેમના પર જ પસંદગી ઉતારે એવી શક્યતા વધુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news