લોકસભા ચૂંટણી 2019: શંકરસિંહ બાપુએ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ આજે અમદાવાદ ખાતે એનસીપીના કાર્યાલયની શરૂઆત થઇ હતી. એક દલિત બાળકીના હસ્તે કાર્યાલયમાં બેડુ મુકવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણી 2019: શંકરસિંહ બાપુએ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ આજે અમદાવાદ ખાતે એનસીપીના કાર્યાલયની શરૂઆત થઇ હતી. એક દલિત બાળકીના હસ્તે કાર્યાલયમાં બેડુ મુકવામાં આવ્યું હતું. એનસીપીની આ ઓફીસમાં પોઝીટીવ ઉર્જા છે કે કેમ અને કાર્યાલય રાજકારણમાં એનસીપીને ગુજરાતમાં સફળતા અપાવશે કે કેમ તે જોવા માટે વાસ્તુશાસ્ત્રીની મદદ લેવાઇ હતી.

ઘડો મુકવાની વિધી પૂર્ણ કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ કાર્યાલય પ્રફુલ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું  હતું અને ફરીવાર કાર્યકરોની ઇચ્છા પ્રમાણે અહીં જ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. તેમણે હોળીની જ્વાળામાં નકારાત્મકતા અને નકામું ભસ્મ થાય એવી અપેક્ષા રાખી રાજ્ય અને દેશ વાસીઓને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે, કાર્યાલય થોડા દિવસોમાં ધમધમી ઉઠશે. દેશ તથા ગુજરાતના રાજકારણમાં નવી દિશા જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા બાપુએ કહ્યું કે, સરકાર માર્કેટિંગ પાછળ કરોડોનું એંધાણ કરે છે. દેશના શહિદોની શહાદત ભુલાવીને ધૂળેટી ઉજવાઇ રહી છે તે યોગ્ય નથી. દેશના લોકો સમજુ છે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની સરકાર નહી બને એવી આગાહી પણ બાપુએ કરી હતી.

ગુજરાત અને દેશમાં કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે બાપુએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલે છે. શરદ પવાર અને રાહુલ ગાંધી જે પ્રમાણે ગઠબંધનમાં બેઠકોની વહેંચણી કરશે. તે પ્રમાણે ચૂંઠણી લડવામાં આવશે. ગુજરાતમાં 4 બેઠકોની માગ કરી છે. બાય ઇલેક્શન લડવાની પણ તૈયારી છે. પણ છેલ્લો નિર્ણય હાઇકમાન્ડનો રહેશે. તેમણે ઉમેર્યું કે, લોકસભાની વર્તમાન ચૂંટણીમાં ભાજપને 140થી 150 બેઠકો મળશે. જ્યારે સામે પક્ષે 325થી વધારે બેઠકો મળશે. હાલ ભલે વિધાનસભામાં એક બીજાની સામે હોય પણ ચૂંટણી બાદ ભાજપ સામે પક્ષો એક થશે.

સરકાર પર આકરા પ્રહારો કરતા બાપુએ ઉમેર્યું કે, સરકાર પોતાનો 5 વર્ષનો હિસાબ આપવાના બદલે હજુ 70 વર્ષનો હિસાબ માગી રહી છે. પાંચ વર્ષમાં લોકોના ધંધા અને રોજગાર ચોપટ થયા છે. બેરોજગારી વધી છે. જો લોકોને ચોકીદાર જ બનાવવાના હતા તો સરકાર શું કામ ચૂંટણી લડી હતી એ ચાબખો પણ બાપુએ માર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news