મા અમે તૈયાર છીએ...!!! સૌરાષ્ટ્રના સિદસર જેવું જ પાટણના સંડેર પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત
ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સીધી દેખરેખ હેઠળ આ સંકુલનું નિર્માણ થવાનું છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ તેમના 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે સંકુલ માટે સૂચિત કરાયેલા સ્થળની અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રથમ ખોડલધામ પાટણના સંડેર પાસે નિર્માણ પામશે. સાથે શૈક્ષણિક સંકુલ અને કૃષિ સંશોધન કેન્દ્ર પણ બનશે. સૌરાષ્ટ્રના સિદસર જેવું જ ખોડલધામ પાટણ પાસે બનશે. લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે.
22મી ઓક્ટોબર અને આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ખોડલધામના ખાતમુહૂર્તના આયોજન અંગે આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી.
સામાજિક અગ્રણી અનારબેન પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેશે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. NCPના નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સીધી દેખરેખ હેઠળ આ સંકુલનું નિર્માણ થવાનું છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ તેમના 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે સંકુલ માટે સૂચિત કરાયેલા સ્થળની અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે. આ પહેલા પાટીદાર સમાજની એકતા માટે પાટીદાર સમાજની ટોચની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ કાગવડના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક પણ થઈ ચૂકી છે.
બાલીસણા સંડેર રોડ પર આવેલા મહાદેવ મંદિર નજીક પાટીદાર સમાજની ખોડલધામ સમિતિ દ્વારા 30 વીઘા જમીનમાં શૈક્ષણિક અને ધાર્મિક સંકુલ નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શૈક્ષણિક સંકુલ કૃષિ સંશોધન કેન્દ્ર અને ખોડલધામનું નિર્માણ થશે. મહેસાણા, ભાન્ડુ, બાલીસણા સહિત વિવિધ સ્થળોએ પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે