સુરતમાં દીપડાની સંખ્યા અઢી ગણી વધી, વનવિભાગે દીપડાના પળેપળની મુવમેન્ટ પર નજર રાખવા લીધું મોટું પગલું
Leopard Attack In Gujarat : માત્ર સુરત જિલ્લામાં જ હાલના દિવસોમાં 104 જેટલા દીપડાઓ છે. એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલા ની 24 જેટલી ઘટનાઓ બની
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : વર્ષ 2016 ની સરખામણીમાં વર્ષ 2024 માં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા લગભગ અઢી ગણી વધી છે. જેની સીધી અસર સુરત જિલ્લાના ચાર તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. એક વર્ષમાં 107 જેટલા કેટલ એટેક દીપડાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી હવે વન વિભાગ સુરત જિલ્લાના માંડવીમાં બ્રીડિંગ સેન્ટર સહિત રેસ્ક્યુ સેન્ટર બનાવવા જઈ રહ્યું છે. એટલું જ નહીં તમામ 107 જેટલા દીપડાઓ પર મોનિટરિંગ કરવા માટે હવે રેડિયો કોલર લગાડવામાં આવશે જેના થકી દીપડાની પળ પળની મુવમેન્ટ પર નજર રાખી શકાય.
દક્ષિણ ગુજરાતમાં તમામ એવા સ્થળો કે જ્યાં પહેલા દીપડા જોવા મળતા ન હતા ત્યાં હાલ દીપડાની અવરજવર વધી છે. ખાસ કરીને જ્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અર્બન વિસ્તાર ગણાતા કામરેજ પલસાણા હજીરા જહાંગીરપુરા જેવા શહેરી વિસ્તારમાં પણ દીપડા લટાર મારતા જોવા મળે છે. જેની પાછળનો મુખ્ય કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર સુરત જિલ્લામાં જ હાલના દિવસોમાં 104 જેટલા દીપડાઓ છે. એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલા ની 24 જેટલી ઘટનાઓ બની છે. જ્યારે કેટલ એટેકની ઘટના 107 જેટલી છે.
દક્ષિણ ગુજરાત દીપડાઓ માટે ખૂબ જ અનુકૂળ છે. કારણ કે અહીં તેમને સહેલાઈથી પાણી આહાર સહિતની વ્યવસ્થા મળી જતી હોય છે. જેની પાછળનો મુખ્ય કારણ અહીંનો મુખ્ય શેરડીનો પાક છે. શેરડીના પાકના કારણે તેઓને સહેલાઈથી પાણી અને પશુઓ સહેલાઈથી મળી જતા હોય છે. આજ કારણ છે કે અહીં દીપડાઓની સંખ્યામાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે.
અનેકવાર દીપડા ગામડાઓમાં આવી જાય છે અને લોકો પર હુમલો પણ કરે છે. આ સાથે પશુઓ પર હુમલા ની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલા જ્યારે માત્ર 21 કેટલ અટેકની ઘટના બની હતી તે હાલ વધીને 107 થઈ ગઈ છે. લોકો અને દીપડા વચ્ચે ઘર્ષણ ન થાય આ માટે હવે વન વિભાગ પણ એલર્ટ છે.
આ વિશે ડીએફઓ આનંદ કુમારે જણાવ્યું હતું કે, હાલ સુરત જિલ્લામાં દીપડાઓની સંખ્યા 104 છે. વર્ષ 2016 માં સુરત જિલ્લામાં દીપડાઓની સંખ્યા 40 જેટલી હતી. એટલે કે, આશરે ત્રણ ગણા દીપડાઓની સંખ્યા વધી છે. દીપડાઓ માટે જો સુરત જિલ્લામાં વાત કરવામાં આવે તો ચાર તાલુકાઓ સેન્સિટીવ ગણવામાં આવે છે. જેમાં માંડવી, માંગરોળ, મહુવા, ઉમરપાડા સામેલ છે. આ વિસ્તારોમાં દીપડાની મુવમેન્ટ સૌથી વધારે છે. આ વિસ્તારોમાં કેટલ એટેકની ઘટનાઓ સૌથી વધારે જોવા મળે છે. અમે આ વિસ્તારોને ધ્યાનમાં રાખી લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર પણ બનાવી રહ્યા છે. આ સાથે માંડવીમાં બ્રિડિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. આશરે 31 જેટલા ડીયર અમે સક્કરબાગ ઝુથી લઈને આવીશું. જેથી આહારની વ્યવસ્થા તેમને મળી રહે. આ સાથે રેડિયો કોલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી તમામ દીપડાને લગાડવામાં આવશે અને તેઓની મુવમેન્ટ અંગે મોનિટરીંગ કરવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દરેક રેન્જમાં લેપર્ડ રેસ્ક્યુ ટીમ છે. કુલ 35 જેટલા પિંજરાઓ સાથે રાખવામાં આવશે . અમે ત્રણ મહિનામાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મુલાકાત લઈએ છીએ અને લોકોને જાગૃત પણ કરીએ છીએ. લેપર્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે જેઓ જાગૃતિ પ્રચાર પ્રસાર કરે છે. અલગ અલગ તાલુકાઓથી અત્યાર સુધી 23 જેટલા દીપડાઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે